રાજકોટમાં IND–NZ મેચની સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસે ઘડ્યો એક્શન પ્લાન
ખંઢેરી સ્ટેડિયમ આસપાસ નો-ડ્રોન ઝોન, 2 હજારથી વધુ પોલીસ બંદોબસ્ત, રસ્તા પર પાર્કિંગ કરશો તો સીધી ટોઇંગ કાર્યવાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી વન-ડે મેચને લઈ વહીવટી તંત્ર અને ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉમટી પડવાના અનુમાન સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત આયોજન અમલમાં મુકાયું છે.
મેચ જોવા આવનારા ક્રિકેટ રસિકોની સુવિધા માટે પંચાયત દ્વારા પાર્કિંગની અલગ વ્યવસ્થા કરાઈ છે. કુલ સાત સ્થળોએ પાર્કિંગ ફાળવવામાં આવ્યું છે, જ્યાં અંદાજે પાંચ હજાર ફોર વ્હીલર અને પાંચ હજાર ટુ વ્હીલર પાર્ક કરી શકાશે. પાર્કિંગ માટે આંશિક ચાર્જ વસૂલવામાં આવશે. વાહનચાલકોએ શિવ શક્તિ હોટેલ પાસેથી યુ-ટર્ન લઈને સ્ટેડિયમમાં પ્રવેશ કરવો ફરજિયાત રહેશે. રાજકોટથી પડધરી તરફના મુખ્ય માર્ગ પર ક્યાંય પણ વાહન ઊભું રાખવા પર સખત મનાઈ રહેશે; નિયમ ભંગ કરનાર વાહનોને ટોઇંગ વાન દ્વારા તાત્કાલિક હટાવવામાં આવશે.
સુરક્ષા દ્રષ્ટિએ પોલીસ બંદોબસ્તને વધુ મજબૂત બનાવાયો છે. ત્રણ ASP, ચાર DySP સહિત આશરે 1400 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત 700 પોલીસ કર્મી, 400 TRB જવાન અને 100 બોડી વોર્ન કેમેરાથી સજ્જ ટીમ સતત નજર રાખશે. સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોને ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કંટ્રોલ રૂમ તેમજ પોલીસ સહાયતા કેન્દ્ર પણ કાર્યરત રહેશે.
પ્રેક્ષકો માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે મેચ શરૂ થવાના ત્રણ કલાક પહેલા સ્ટેડિયમમાં પ્રવેશ શરૂ થશે. જ્વલંતશીલ પદાર્થો, પ્રતિબંધિત સામગ્રી તથા જોખમી વસ્તુઓ સાથે લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ભારે વાહનોની અવરજવર પર પણ નિયંત્રણ મુકાયું છે. ટિકિટની કાળાબજારી અટકાવવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પોલીસ અને તંત્રએ પ્રેક્ષકોને નિયમોનું પાલન કરી સહકાર આપવા અપીલ કરી છે, જેથી રાજકોટમાં આ આંતરરાષ્ટ્રીય મેચ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર સંપન્ન થઈ શકે.


