જસદણમાં ઓઇલ મીલ માલિકની કાર આંતરી છરી વડે હિચકારો હુમલો
ઉત્તરાયણની માથાકૂટનો ખાર રાખી બે શખસો તૂટી પડ્યા : રાજકોટમાં સારવાર હેઠળ
અગ્ર ગુજરાત, રાજકોટ
જસદણ શહેરમાં ચીતલીયા રોડ પર ઓઇલ મીલ ચલાવતા યુવાન પર ગામના બે શખસોએ જીવલેણ હુમલો કરતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગરબી ચોક પાસે આરોપીઓએ યુવાનને આંતરી છરીના ઘા ઝીંકી ફરાર થઈ જતા ઇજાગ્રસ્તને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ પાછળ ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવાની બાબતે થયેલી માથાકૂટનો ખાર હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના પટેલ વાડી વિસ્તારમાં રહેતા અને ચીતલીયા રોડ પર “યોગી ઓઇલ મીલ” ચલાવતા 32 વર્ષીય વિશાલ મનુભાઈ છાયાણીએ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જસદણમાં જ રહેતા સાવન મનસુખભાઈ હિરપરા અને લાલા કિશોરભાઈ માળવીયાના નામ આપ્યા છે.
ફરિયાદ મુજબ, ઉત્તરાયણના દિવસે સવારે ફરિયાદી પોતાની ઓઇલ મીલ ખાતે હતા ત્યારે તેમના ભાઈ વિરાજનો ફોન આવ્યો હતો. વિરાજે જણાવ્યું હતું કે, સિંદી ચોક નજીક એક બાંધકામ સાઇટ પર પતંગ ચગાવતી વખતે આરોપી લાલા માળવીયાએ આવી ગાળો બોલી માથાકૂટ કરી હતી. ત્યારબાદ બપોરે સાવન હિરપરાએ ફોન કરીને આ બાબતે ઉશ્કેરણીભરી વાતચીત કરી હતી.
થોડા સમય બાદ ફરિયાદી અને તેમના ભાઈ મોટરસાયકલ પર ગામ તરફ જતા હતા ત્યારે ગરબી ચોક પાસે બંને આરોપીઓએ રસ્તો અટકાવ્યો હતો. ફરિયાદી નીચે ઉતરે તે પહેલાં જ લાલા માળવીયાએ તેમને પકડી રાખ્યા હતા અને સાવન હિરપરાએ છરી વડે ડાબા ખભા તથા પેટના ભાગે ઘા મારી દીધા હતા. આસપાસના લોકો દોડી આવતા વધુ હુમલો અટક્યો હતો.
ઇજાગ્રસ્ત વિશાલભાઈને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. ફરિયાદના આધારે જસદણ પોલીસે બંને આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


