તા.૨૧ થી ૨૫ સુધીમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના
રાજકોટમાં ૧૯3પમાં અને ભૂજમાં ૧૯૭૭માં માઇનસ તાપમાન નોંધાયું હતું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજયમાં ઠંડીનો ચમકારો ઘટયો છે. તાપમાનમાં ૨ થી 3 ડિગ્રીનો વધારો નોંધાયો છે. ૧૦.૪ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. તા.૨૧ થી ૨૫ વરસાદ પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. હાલ હવામાન શુષ્ક રહેશે.
ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં જેવો ઠંડીનો માહોલ હોવો જોઈએ તેવો અનુભવ થયો ન હતો, પરંતુ જાન્યુઆરીની શરૂઆતથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં થયેલી હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ગુજરાત સુધી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ઠંડીની અસર યથાવત્ રહેવાની શક્યતાઓ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા શુક્રવારે આપવામાં આવેલી માહિતી મુજબ, 22 જાન્યુઆરી સુધી રાજ્યમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેશે. જોકે, આ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો સામાન્ય વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં 10.4 ડિગ્રી હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં કોઈ મોટા હવામાનિક ફેરફારની શક્યતા નથી અને રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. તો બીજી તરફ, કેટલાક હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે, 21થી 25 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા પણ રહેલી છે. આ વચ્ચે, રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયા ખાતે નોંધાયું છે, જ્યાં 10.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
રાજકોટમાં ઈ.સ. 1935માં 16 જાન્યુઆરીએ -0.6 સે.તાપમાન નોંધાયું હતું જેને આજે બરાબર 90 વર્ષ પૂરા થયા છે. તો ગુજરાતની સૌથી વધુ ઠંડી -0.2 સે. ભૂજમાં તા. 28 જાન્યુઆરી 1977ના દિવસે નોંધાઈ હતી. રાજ્યમાં નવેમ્બરથી ફેબ્રુઆરી શિયાળાની સીઝનની સૌથી વધારે ઠંડીનો રેકોર્ડ જાન્યુઆરીમાં નોંધાતો રહ્યો છે અને નોંધપાત્ર બાબત એ છે કે ઈ.સ. 1988માં સૌથી ઓછી ઠંડી અમરેલીમાં તા. 26 જાન્યુઆરીએ 1.6 સે. નોંધાયા બાદ રાજ્યના શહેરોના રેકોર્ડ તૂટયા નથી. પરંતુ, નલિયા એક અપવાદ છે. રાજસ્થાન તરફથી સીધા બર્ફીલા પવનો આવે છે તે કચ્છમાં, ખાસ કરીને નલિયામાં તાપમાન નીચું રહેતું હોય છે, બે વર્ષ પહેલા ત્યાં પારો 2 સે. નીચે ઉતરી ગયો હતો અને આ સ્થળની સર્વાધિક ઠંડીનો રેકોર્ડ એક તો ફેબ્રુઆરીમાં તા. 7 તારીખે અને 1988 પછી ઈ.સ.2008માં નોંધાયો છે.
રાજયમાં ૯૦ના દાયકા ગરમીનો રેકોર્ડ નોંધાયા પણ ઠંડીનો રેકોર્ડ તૂટયો નથી
આ સિવાય મોસમ વિભાગમાંથી માહિતી અનુસાર રાજ્યમાં 90ના દાયકા પછી ગરમીના રેકોર્ડ તો અનેક નોંધાયા, તૂટયા છે, ગત વર્ષે પણ તુટયા છે પરંતુ, ઠંડીના રેકોર્ડ તૂટયા નથી. જેમ કે અમદાવાદમાં ઈ.સ. 1954માં, ભાવનગર, સુરત, દ્વારકામાં ઈ.સ.1929માં, કેશોદ, વડોદરા અને પોરબંદરમાં 1962માં નોંધાઈ હતી અને વેરાવળમાં તો ઈ.સ.1905 નો 4.4 સે.નો રેકોર્ડ આજ સુધી અકબંધ છે. સૌરાષ્ટ્ર પાસેના કેન્દ્રશાસિત પ્રદેશ દિવમા તા.1-1-1991 ના 5.0 સે. સર્વાધિક ઠંડી નોંધાઈ હતી.


