સલામત સવારી : જાન માટેની ST બુકીંગ કરાવવા રાજકોટમાં 3૦ દિ’નું વેઇટીંગ
સામાન્ય પરિવારને પરવળે તેવી નિગમની યોજનાનો લાભ લેવા ઘસારો : 3૮ બસનું એડવાન્સમાં બુકીંગ : ભાડુ માત્ર ૨૦૦૦થી ૮૦૦૦ સુધી
અગ્ર ગુજરાત, રાજકોટ
કર્મુતા ઉતરતા જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લગ્નની સિઝનનો પ્રારંભ થયો છે. બહાર ગામ જાન લઇને જતા પરિવારો ખાનગી ટ્રાવેલ્સ બુકીંગ કરાવતા હોય છે. પરંતુ આર્થિક રીતે નબળા પરિવારોને તેના ભાડા પરવડતા ન હોય તેના માટે રાજય સરકાર દ્વારા એસટીની યોજના અમલમાં મૂકવામાં આવી છે. લોકો તેનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. હાલ રાજકોટ ડિવિઝનમાં એસટી બસ જાનમાં લઇ જવા માટે એક મહિના જેટલુ વેઇટીંગ જોવા મળે છે.
શુભ મુહૂર્તનો પ્રારંભ થતા જ લગ્નની મોસમ પૂર બહારમાં ખીલી છે. આ દરમિયાન બહારગામ જાન લઈ જવા માંગતા આર્થિક નબળા પરિવારજનો સસ્તી અને સલામત ગણાતી એસટી બસનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં 40થી 80 કિલોમીટર સુધી મીની બસ અને એક્સપ્રેસ બસ બૂક થઈ શકે છે. જેનું ભાડું રૂ. 2000થી રૂ. 8000 સુધીનું છે. જોકે ડેપો વાઇસ 2 જ સ્પેશિયલ બસ રાખવામાં આવતી હોવાથી એડવાન્સ બૂકિંગમાં એક માસનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લગ્ન કે કોઈ શુભ પ્રસંગે મુસાફરોને રાહત દરે બસની સુવિધા આપવામાં આવે છે. જેમાં નિગમ દ્વારા મિની અથવા એક્સપ્રેસ બસની સુવિધા અપાય છે. લગ્નગાળો શરૂ થતા રાજકોટ એસટી ડિવિઝનમાં લગ્ન માટે 38 બસ એડવાન્સ બૂક થયેલી છે. જોકે તેમાં ડેપો વાઈઝ 2 બસ જ આપવામાં આવતી હોવાથી એક માસનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે.
રાજકોટ એસટીના વિભાગીય નિયામક હિમાંશુ જોશીએ જણાવ્યું હતું કે, લગ્નની સિઝન શરૂ થતા એસટી બસમાં જાન લઈ જવા માટે લોકો બુકિંગ કરાવતા હોય છે. ત્યારે રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી 38 એસટી બસમાં જાન જઈ રહી છે. રાજકોટ, ગોંડલ, સુરેન્દ્રનગર, વાંકાનેર, મોરબી, ચોટીલા, જસદણ, ધ્રાંગધ્રા, લીંબડી એમ 9 ડેપો વાઇસ 18 બસ આપવામાં આવે છે.


