પ્રણયફાગ ખેલવા પતિ પ્રેમિકા સાથે ફરાર થતાં પત્નીએ ફિનાઈલ ગટગટાવી લીધું
પતિના મોબાઈલમાં પરસ્ત્રી સાથેની અંગત તસવીરો નજરે પડતાં દાંપત્ય કલહ, બે સંતાનોની માતા સિવિલ હોસ્પિટલમાં દાખલ
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં દાંપત્ય જીવનના તાણાવાણાં અને અનૈતિક સંબંધોના કારણે એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પતિ પ્રેમિકા સાથે ઘર છોડીને ભાગી જતા પત્નીએ ફિનાઈલ ગટગટાવી લેતા તેણીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના 80 ફૂટ રોડ વિસ્તારમાં આવેલા સત્યમ પાર્કમાં રહેતી મહિલાને થોડા દિવસ પહેલાં પતિના મોબાઈલમાંથી એક પરસ્ત્રી સાથેની અંગત ક્ષણોની તસવીરો મળી આવી હતી. આ બાબતે પત્નીએ પતિને સવાલ કરતાં પતિએ કોઈ પસ્તાવો દર્શાવ્યા વગર ઉલટું ઝઘડો કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, તા. 14 જાન્યુઆરીના રોજ પતિ બે બાળકોની માતા એવી પોતાની સ્ત્રી મિત્ર સાથે અજાણ્યા સ્થળે ફરાર થઈ ગયો હતો. પતિ અચાનક ગાયબ થતાં પત્નીએ સગાં-સંબંધીઓ અને ઓળખીતા વિસ્તારોમાં શોધખોળ કરી હતી, પરંતુ બંનેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
પતિના વર્તન અને એકાંતની વેદનાથી તૂટી પડેલી પત્નીએ અંતે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ તેણીની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસે હોસ્પિટલમાં પહોંચી મહિલાનું નિવેદન નોંધ્યું છે અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.


