ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
મિલકત ખરીદ વેચાણ માટે ૧પ લાખની માંગણી કરી હોવાની ચર્ચા : તાત્કાલીક ડ્રાઇવરને છુટો કરતા SDM
અગ્ર ગુજરાત, ભાવનગર
ભાવનગર શહેરના અશાંતધારો અમલમાં છે એવા ક્રેસન્ટ સર્કલ વિસ્તારની એક પ્રોપર્ટીના ખરીદ-વેચાણ માટે પ્રાંત અધિકારીને કરવામાં આવેલી અરજી બાબતે લાખો રૂપિયાની લેતીદેતીના કથિત ઓડિયો અને વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચ્યો છે. કથિત ઓડિયો-વીડિયોમાં મહિલા એસડીએમના ડ્રાઈવરનું નામ સામે આવતા એસડીએમ તરફથી તેને તાત્કાલીક અસરથી છુટો કરી દેવામાં આવ્યો છે. આ મામલે યોગ્ય તપાસ કરવા માટે એસપીને પણ જાણ કરવામાં આવી છે. મહિલા પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, આ મામલામાં મારું કોઈ ઈન્વોલ્વમેન્ટ નથી.
ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ વિસ્તાર કે જ્યાં અશાંતધારો અમલી છે. નિયમ મુજબ આ વિસ્તારમાં મિલ્કતના ખરીદ-વેચાણ પહેલા તંત્રની મંજૂરી લેવી પડતી હોય છે. ક્રેસન્ટ વિસ્તારમાં આવેલી આઠ દુકાનોના ખરીદ-વેચાણ માટે અરજી કરવામાં આવી હતી. જે અરજી બાબતે મહિલા પ્રાંત અધિકારીના આઉટસોર્સિંગ હેઠળ ફરજ બજાવતા ડ્રાઈવરે પૈસાની માગણી કરી હોવાનો કથિત ઓડિયો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.
આ વિવાદ વકરતા ભાવનગર SDM પ્રતિભા દહિયાએ સ્પષ્ટતા કરી છે કે, આ માહિતી કાલે અમને પણ મીડિયા દ્વારા જ મળી હતી. કાલે દિવસમાં મને ફોન આવ્યા હતા જ્યારે અમને ખબર પડી કે આ પ્રકારનું કંઈક ચાલી રહ્યું છે અને સાંજે એક વીડિયો મારી સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો, જેના દ્વારા મને ખબર પડી કે મારો ડ્રાઈવર છે. મારા બે ડ્રાઈવર છે, તેમાંથી એક આ ગાડી ચલાવે છે અને બીજો બીજી ગાડી ચલાવે છે તો આ ડ્રાઈવર કોઈ થર્ડ પાર્ટી સાથે કોઈ ફાઈલ બાબતે પૈસાની માંગણી કરી રહ્યો છે, વીડિયોમાં જે ડ્રાઈવર દેખાય છે તેનું નામ મોમીન ભાઈ છે.
હવે કઈ ફાઈલ અમને તો એ ફાઈલ વિશે ક્યારેય ખબર નહોતી, કાલે જે મીડિયામાં આવ્યું છે તેના પછી અમે આ બાબતે તપાસ કરાવી રહ્યા છીએ કે કયા સંદર્ભમાં વાત થઈ રહી છે તે જે પૈસાની માંગણી કરી રહ્યો હતો તે એક કરતાં વધુ ફાઈલો માટે છે કે કોઈ સિંગલ સ્ટેન્ડ અલોન ફાઈલ માટે છે, તેની માહિતી અત્યારે અમારી પાસે નથી અમે તેની તપાસ કરાવી રહ્યા છીએ. મેં વીડિયો જોયો છે અને સાંભળ્યો છે હવે તે મારું નામ લઈ રહ્યો છે, પણ તેની સાથે મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, ડ્રાઈવર અમારો રેગ્યુલર સ્ટાફ નથી હોતો કે જેની સાથે અમે કોઈ અંગત વાત કરીએ, ડ્રાઈવર આઉટસોર્સિંગનો સ્ટાફ છે તે માત્ર ગાડી ચલાવે છે.
મે એસપીને આ બાબતે પત્ર લખ્યો છે : એસડીએમ
મારે બે ડ્રાઈવર છે ક્યારેક બીજો ડ્રાઈવર ગાડી ચલાવે છે તો ક્યારેક આ ચલાવે છે. તેની સાથે મારી આજ સુધી કોઈ પણ અંગત વાત થઈ હોય કે તેમાં મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ હોય એવું નથી, આ તપાસનો વિષય છે બાકી મેં એસપીને આ બાબતે પત્ર લખ્યો છે કે, તેઓ આગળની કાર્યવાહી કરે, આજે મેં પોલીસની કાર્યવાહી તો પોલીસ જ કરશે ને, મેજિસ્ટ્રેટ પાસે એવી કોઈ પાવર નથી, મેં તેને તાત્કાલિક અસરથી છૂટો કરી દીધો છે. જે મારા અધિકારમાં હતું, હવે જે પોલીસની કાર્યવાહી છે, કે જે ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સર્ક્યુલેટ થઈ રહ્યા છે, વીડિયો અને ઓડિયો સર્ક્યુલેટ થઈ રહ્યા છે તે ક્યાં હતો, કોની સાથે વાત કરી રહ્યો હતો તેની તપાસ હું ન કરી શકું, એ તો પોલીસનો વિષય છે, એટલે એસપીને મેં ફરિયાદ કરી છે.
તપાસ કરીએ છીએ : જિલ્લા પોલીસ વડા
આ અંગે ભાવનગર એસપી ડો. નિતેષ પાંડયે એ જણાવ્યું હતું કે, આશાંત ધારા બાબતે જે છે જ્યારે પણ કોઈ મિલકત ટ્રાન્સફર થતી હોય તો પોલીસના અભિપ્રાય લેવામાં આવે છે એમાં પહેલાં થાણાથી અભિપ્રાય આપવામાં આવે છે પછી એના આધારે અમારા DYSP સિટી અભિપ્રાય આપે છે પછી SP કક્ષાએ અભિપ્રાય આપીને અમારા જે અહેવાલ છે એ SDMને મોકલવામાં આવે છે, અમે મેરિટના આધારે અને બધું જોઈને જે એનો અભિપ્રાય અમે નેગેટિવ જ આપીએ છીએ અને આશરે મહિનાની લગભગ 40-50 જેવી પ્રપોઝલ મહિનાની આવે છે.
SDMને ફરિયાદ કરવા માટે સૂચના કલેકટર
આ અંગે ભાવનગર કલેક્ટર ડો.મનીષ બંસલ એ માહિતી અપાતા જણાવ્યું હતું કે, કાલે સોશિયલ મીડિયામાં મારફતે SDMના ડ્રાઇવરનો વીડિયો CCTV ફૂટેઝ અને ઓડિયો ક્લિપ પ્રમાણે SDM પ્રતિભા દહિયાને કહ્યું છે કે, નીતિ નિયમ પ્રમાણે એના પર ફરિયાદ કરવા માટે પોલીસને જાણ કરે, એના પરથી આગળની તપાસ થશે અને એમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ થશે.


