ભાવનગરમાં દારૂના કેસમાં ફસાવાની શંકાએ પરિવાર પર હુમલો-તોડફોડ
ઘરમાં ઘુસી 9 જેટલા શખ્સોએ સશસ્ત્ર હુમલો કરી આતંક મચાવ્યો
અગ્ર ગુજરાત, ભાવનગર
ભાવનગરના બોરડીગેટ બોટાદીયાવાસ વિસ્તારમાં રહેતા અને સેન્ટિંગ કામ કરતા 30 વર્ષીય વિમલભાઈ ઉર્ફે કેતન સોલંકી અને તેમના પરિવાર પર 9 શખ્સોએ ઘરમાં ઘૂસી લોખંડના પાઇપ, ફરસી, લાકડાના ધોકા અને સોડાની બોટલો વડે હુમલો કર્યો હતો.
અગાઉ દારૂના કેસમાં પકડાયેલા એક આરોપીએ પોતાની ગાડીમાં જીપીએસ લગાડીને પોલીસને બાતમી આપ્યાની શંકા રાખીને આ હિંસક હુમલો કર્યો હતો, જેમાં ઘરવખરી અને વાહનો મળીને કુલ રૂ. 4.80 લાખનું નુકસાન થયું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે ઘોઘારોડ પોલીસ મથકમાં 9 વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની વિગતો અનુસાર, હુમલા પાછળનો મુખ્ય સૂત્રધાર રાહુલ ઉર્ફે ચીની જયેશ મારું આશરે દોઢ-બે મહિના પહેલા કોળિયાક ખાતેથી ઇંગ્લિશ દારૂના કેસમાં ઝડપાયો હતો. તાજેતરમાં જેલમાંથી છૂટ્યા બાદ તેણે બોરડીગેટ વિસ્તારમાં વિમલભાઈને રોકીને ધમકી આપી હતી કે, “તેં મારી ગાડીમાં જીપીએસ લગાડી દીધું હતું, જેના કારણે હું પકડાયો હતો.”
આ અદાવત રાખીને રાહુલ ઉર્ફે ચીની તેમજ તેની સાથે રોહન જસાભાઈ સોઢા, જીતુ જસાભાઈ સોઢા, અનુ નરેશ પરમાર, રાજુ ધીરજ ડોડિયા, વિવેક અશોક મકવાણા, સંજય ઉર્ફે લેપટો હમીર પરમાર, જીગર નરેશ સોલંકી અને દર્શન મુકેશ મકવાણા ઘાતક હથિયારો અને સોડાની બોટલો સાથે વિમલભાઈના ઘરે ધસી આવ્યા હતા.
ટોળાએ ઘરમાં ઘૂસીને ભારે ઉત્પાત મચાવ્યો હતો. હુમલાખોરોએ ફરિયાદીના એક્સેસ સ્કૂટરની તોડફોડ કરી આશરે રૂ. 10,000નું નુકસાન કર્યું હતું. તેમજ ઘરમાં પ્રવેશી ટીવી, ફ્રિજ, ગેસ સ્ટવ અને રસોડાની અન્ય ચીજવસ્તુઓ મળીને આશરે રૂ. 70,000નું નુકસાન પહોંચાડ્યું હતું. આ દરમિયાન બચાવવા વચ્ચે પડેલા ફરિયાદીની માતાને પાઇપ મારી ઈજા પહોંચાડી હતી અને ભત્રીજાને લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલેથી ન અટકતા, હુમલાખોરોએ વિમલભાઈના મોટાભાઈના મકાનની બારીઓના કાચ, એસી કમ્પ્રેસર તોડી નાખ્યા હતા અને ત્યાં પાર્ક કરેલી કારમાં અંદાજે રૂ. 4,00,000નું નુકસાન કરી મકાન પર સોડાની બોટલોના ઘા કર્યા હતા.
આ ચકચારી ઘટના અંગે ઘોઘારોડ પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે તમામ નવ આરોપીઓ વિરુદ્ધ BNS ની કલમ 189(2), 191, 191(3), 190, 115(2), 324(5), 324(6), 351(3), 352, 333 તેમજ જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.


