રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
વિવિધ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ – ગુજરાત માર્ગદર્શિત અને સૌરાષ્ટ્ર સંભાગ-૧ તથા ૨ દ્વારા આયોજિત ‘શૈક્ષણિક પ્રીમિયર લીગ ૨૦૨૬’ અને ‘માતૃશક્તિ સ્પોર્ટ્સ ડે ૨૦૨૬’ નું ભવ્ય આયોજન રીબડા સ્થિત એસ.જી.વી.પી. (SGVP) ગુરુકુલ ખાતે કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક જગત સાથે જોડાયેલા ભાઈઓ અને બહેનોમાં ખેલદિલી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી આ રમતગમત મહોત્સવનું આયોજન થયું હતું.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવી હતી. આ પ્રસંગે રીબડા ગુરુકુલના સંચાલક શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામી તથા અન્ય સંતોએ વિશેષ ઉપસ્થિત રહીને રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ તકે આશીર્વચન પાઠવતા શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, શિક્ષણની સાથે સાથે રમતગમત પણ જીવનનો અભિન્ન હિસ્સો છે. તેમણે ખેલદિલીની ભાવના કેળવવા પર ભાર મૂકી સૌ સહભાગીઓને ઉત્તમ પ્રદર્શન માટે આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શિક્ષકગણ ઉપસ્થિત રહ્યો હતો. આ આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના સભ્યો અને આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી.


