કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
લાખોની દેશી દારૂની પોટલીઓનો જથ્થો ઝડપી પાડતા પંથકમાં ચકચાર : પોલીસની દાનત પર ઉઠતા સવાલ
અગ્ર ગુજરાત, કચ્છ
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે કચ્છ જિલ્લાના નિરોણા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં લાંબા સમયથી ખુલ્લેઆમ ચાલી રહેલા દેશી દારૂના વેચાણથી કંટાળેલા સ્થાનિક લોકોએ આખરે કાયદો હાથમાં લેવાની ફરજ પડી હતી. ગ્રામજનોએ એકત્ર થઈને દારૂના અડ્ડા પર ‘જનતા રેડ’ કરી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો પકડી પાડતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નિરોણા ગામના એક રહેણાંક વિસ્તારમાં આવેલા બંધ મકાનમાં દારૂનો કાળો કારોબાર ચાલતો હોવાની આશંકા ગ્રામજનોને લાંબા સમયથી હતી. વારંવારની રજૂઆતો છતાં કોઈ નક્કર પરિણામ ન મળતા, આજે રોષે ભરાયેલા લોકોના ટોળાએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. મકાનની અંદર તપાસ કરતા જ ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ત્યાંથી દેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. રહેણાંક મકાનનો ઉપયોગ દારૂ છુપાવવા અને વેચવા માટે થતો હોવાનું બહાર આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે ગામમાં કોઈ પણ ડર વગર નિર્ભય બનીને દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જે ગામના યુવાધનને બરબાદીના પંથે ધકેલી રહ્યું છે. ગ્રામજનોના મતે, આ પ્રવૃત્તિને કારણે ગામનું વાતાવરણ ડહોળાઈ રહ્યું હતું. આથી જ જાગૃત નાગરિકોએ સંગઠિત થઈને જાતે જ દારૂના અડ્ડા પર ત્રાટકવાનો અને આ બદીને ખુલ્લી પાડવાનો નિર્ણય લીધો હતો.
જનતા રેડના સમાચાર વાયુવેગે પ્રસરતા જ કચ્છ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લોકોએ પકડેલો દારૂનો જથ્થો પોલીસને હવાલે કર્યો હતો. હાલમાં પોલીસે મુદ્દામાલ કબજે કરી, મકાન માલિક અને આ કાળા કારોબાર સાથે સંકળાયેલા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, ગ્રામજનોએ જે રીતે જાતે રેડ કરવી પડી, તે ઘટનાએ સ્થાનિક પોલીસની સતર્કતા અને બાતમીદારોના નેટવર્ક સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું પોલીસ આ પ્રવૃત્તિથી અજાણ હતી કે પછી આંખ આડા કાન કરી રહી હતી? તે હવે તપાસનો વિષય છે.


