કરા સાથે ખાબકેલા માવઠાથી રસ્તાઓ પર પાણી ભરાયા, અચાનક આવેલા પલટાથી વીજળીના કડાકા અને ભારે પવનથી વાવાઝોડાથી અસર : ખેડૂતોની ચિંતામાં વધારો
અગ્ર ગુજરાત, અમરેલી
હવામાન વિભાગ અને નિષ્ણાંતો દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવતા અમરેલી જિલ્લાના સાવરકુંડલા, અમરેલી શહેર, ખાંભાના ગામડાઓમાં તેમજ આજે સવારે બોટાદના બરવાળા પંથકમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ ખાબકયો હતો. કરા સાથે પડેલા માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
બોટાદ જિલ્લાના બરવાળામાં બપોર બાદ અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. ગાજવીજ અને પવન સાથે વરસાદી ઝાપટા પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. બરવાળા શહેર ઉપરાંત તાલુકાના અન્ય ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અચાનક આવેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેતી ક્ષેત્રે આ આફત સાબિત થઈ રહ્યો છે.
હાલમાં ખેડૂતોના ખેતરમાં ઉનાળુ પાક જેવા કે તલ, બાજરી અને મગફળી તૈયાર થવાના આરે છે, ત્યારે આ કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે કે જો વરસાદનું જોર વધશે તો તૈયાર થયેલો પાક નિષ્ફળ જઈ શકે છે. વારંવાર બદલાતા હવામાનને કારણે બોટાદ જિલ્લાના ખેડૂતો હવે કુદરત પાસે સહાયની આશા રાખી રહ્યા છે.
સાવરકુંડલા તાલુકાના બાઢડા અને તેની આસપાસના ગામોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો હતો. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી. અને વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ હતી. ખેતી પાકો પર સંકટ ભર ઉનાળે થયેલા આ કમોસમી વરસાદે ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. ત્યારે વરસાદ પડતા ઘંઉ, તલ, જીરૂ, ચણા, કેરી સહિતના આ રવી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત ગીર પંથકની શાન ગણાતી કેસરી કેરીના પાકને પણ આ માવઠાથી મોટું નુકસાન થવાની શક્યતાથી ખેડૂતો ઉપર ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, હજુ તો એક સપ્તાહ પહેલા જ કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. ત્યારે ફરી કમોસમી વરસાદ પડતાં ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.
ખાંભા ગીરના ગામડાઓમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ ખાંભાના જીક્યાળી, ધજડી, વાંકિયા સહિત ગામડાઓમાં કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતાં. ભર ઉનાળે કમોસમી વરસાદથી કેરી તલ, બાજરી સહિત પાકને નુકસાનની ભીતિથી ધરતી પુત્રોમાં ફરીવાર ચિંતા ફેલાય છે.
માર્ચ મહિનાની શરૂઆતમાં જ અસહ્ય ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. મોટા ભાગના શહેરમાં તાપમાન 41 ડીગ્રીએ પહોંચ્યું ગયું હતું. જો કે તે બાદ અચાનક જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ અસહ્ય ગરમીની શરૂઆત વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્રણ દિવસ સુધી અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદ અને તેજ પવન ફૂંકાવાના કારણે ખેડૂતોના પાકને પણ નુકશાન ગયું હતું. જો કે તે બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા ફરી ગરમીની શરૂઆત થઈ ગઈ હતી.
જો કે ફરી એક વખત રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. પરંતુ હવે ફરી એક વખત ખેડૂતો પર સંકટના વાદળ ઘેરાઈ રહ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર હવામાન પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફના સંયુક્ત પ્રભાવને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે અનેક જિલ્લાઓ માટે આગાહી જાહેર કરી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 30 તારીખે રાજ્યના કેટલાક આઇસોલેટેડ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સાથે જ 2 અને 3 તારીખે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક અનુભવાશે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેનાથી ગરમીમાં રાહત મળશે.
તાપમાનની વાત કરીએ તો આગામી ચાર દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને તાપમાન આશરે 37 ડિગ્રી સુધી રહેશે. જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. ગરમીથી ત્રસ્ત લોકોને આગામી દિવસોમાં રાહત મળવાની આશા છે. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પર ફરી એક વખત સંકટના વાદળ ઘેરાઈ ગયા છે.


