અમરેલીના ખીજડીયા ખારી ગામે કૂવામાંથી ૮૦ વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી તાલુકાના ખીજડીયા ખારી ગામે એક ૮૦ વર્ષીય વૃદ્ધનો કૂવામાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો મુજબ, ખીજડીયા ખારી ગામે રહેતા ૮૦ વર્ષીય વૃદ્ધ જખવાડીયા હિંમતભાઈ મોહનભાઈ કોઈ કારણોસર અચાનક કૂવામાં પડી ગયા હતા. કૂવાના ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ધટનાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક અમરેલી ફાયર કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરવામાં આવી હતી. ઇન્ચાર્જ ફાયર ઓફિસર એચ.બી. બાંભણીયાની આગેવાની હેઠળ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કૂવામાંથી વૃદ્ધના મૃતદેહને બહાર કાઢવા માટે રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ ભારે જહેમત બાદ વૃદ્ધના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ વૃદ્ધ કયા સંજોગોમાં અને કેવી રીતે કૂવામાં ખાબક્યા તે સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં ફાયર વિભાગના કર્મચારી ગોહિલ ભગવતસિંહ, સવજીભાઈ ડાભી, જગદીશભાઈ ભુરીયા, કૌશિક ભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ હતી.


