અમરેલીના સરંભડામાં ઈકો-સેન્સિટીવ ઝોનમાં રેતી ચોરી સામે લોકો મેદાને
નદીના પટમાં ગ્રામજનોની રામધૂન: નદી બચાવવા યુવાનો દ્વારા લેવાયા શપથ
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી જિલ્લાના સરંભડા ગામમાં શેત્રુંજી નદીમાંથી ભૂમાફિયાઓ દ્વારા થતી રેતી ચોરી સામે ગ્રામજનોએ હવે એકજૂથ થઈ લડતનો એલાન કર્યો છે. ગામમાં યોજાયેલી બેઠક બાદ ગ્રામજનોએ નદીમાં જઈ રામધૂન સાથે રેતી ચોરી બંધ કરવાના નારા લગાવ્યા અને આગામી સમયમાં સીસીટીવી તેમજ ડ્રોનથી પણ નજર રાખવાનો નિર્ણય કર્યો છે.
સરંભડા ગામમાં શેત્રુંજી નદીમાંથી ભૂમાફિયાઓ દ્વારા થતી રેતી ચોરી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ગામમાં યોજાયેલી બેઠકમાં માત્ર સ્થાનિકો જ નહીં, પરંતુ સુરત, અમદાવાદ, વડોદરા સહિત અન્ય શહેરોમાં વસતા સરંભડા ગામના યુવાનો અને આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સૌએ એકસ્વરે જણાવ્યું હતું કે ગામની નદીમાંથી હવે કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર રીતે રેતી ઉપાડવા દેવામાં આવશે નહીં. ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો આગામી સમયમાં ફરી રેતી ચોરી થશે તો સંબંધિત વાહનો, વ્યક્તિઓ અને સમગ્ર વિગતો પોલીસ તથા ખાણ-ખનિજ વિભાગને આપી કડક કાર્યવાહી કરાવવાની માંગ કરવામાં આવશે. ગામના યુવાનો દ્વારા પણ નદી બચાવવા માટે સતત દેખરેખ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
બેઠક પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો શેત્રુંજી નદીના પટમાં પહોંચ્યા હતા. ત્યાં સૌએ રામધૂન કરી “રેતી ચોરી બંધ કરો” અને “શેત્રુંજી નદી બચાવો” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે સરંભડા વિસ્તાર ઇકો-સેન્સિટિવ ઝોનમાં આવે છે અને આ વિસ્તારમાં સિંહ, દીપડા સહિતના વન્યપ્રાણીઓની અવરજવર રહેતી હોવાથી નદીમાંથી અતિશય રેતી ખનન થવાથી પાણીનો સંગ્રહ ઘટશે અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચશે.ગ્રામજનોએ બેઠકમાં મહત્વનો નિર્ણય પણ લીધો હતો કે ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને જરૂર પડશે તો ડ્રોન દ્વારા પણ નદી વિસ્તાર પર નજર રાખવામાં આવશે. સાથે જ પોલીસ અને વહીવટી તંત્રના સહયોગથી ભૂમાફિયાઓ દ્વારા થતી રેતી ચોરી રોકવા માટે સતત પ્રયાસ કરવામાં આવશે.
સરંભડા ગામમાં શેત્રુંજી નદીમાંથી ભૂમાફિયાઓ દ્વારા થતી રેતી ચોરી સામે હવે સમગ્ર ગામ એકજૂટ બન્યું છે. બેઠક બાદ ગ્રામજનો નદીમાં પહોંચ્યા અને રામધૂન સાથે રેતી ચોરી બંધ કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ ગામમાં સીસીટીવી અને જરૂર પડે તો ડ્રોન દ્વારા દેખરેખ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ગામલોકોનું સ્પષ્ટ કહેવું છે કે શેત્રુંજી નદીમાંથી ભૂમાફિયાઓ દ્વારા થતી રેતી ચોરી કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.


