સતત ત્રીજા વર્ષે ઓલ ઇન્ડિયા જુડો સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુડો ટીમે રાષ્ટ્રીય ફલક પર પોતાની તાકાત બતાવી ગૌરવ વધાર્યું છે. વેસ્ટ સાઉથ ઝોનમાંથી સફળતાપૂર્વક ક્વોલિફાય થયા બાદ ઓલ ઈન્ડિયા આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ચંદીગઢ યુનિવર્સિટી ખાતે આયોજિત આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં યુનિવર્સિટીના ખેલાડીઓએ રમતગમત પ્રત્યેનું પોતાનું કૌશલ્ય સાબિત કર્યું છે.
જે.જે. કુંડલીયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની હોનહાર વિદ્યાર્થીની રીતુ વાજાએ મેદાનમાં ઉતરીને સૌના દિલ જીતી લીધા છે. તેમણે સતત 3જા વર્ષે ઉત્તમ પ્રદર્શન જાળવી રાખીને ઓલ ઈન્ડિયા સ્તરે 4થો ક્રમ હાંસલ કર્યો છે. રીતુની આ સફળતા માત્ર રેન્કિંગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમની રમતની શૈલી અને સાતત્યએ તેમને દેશની સર્વોચ્ચ સ્પર્ધા ‘ખેલો ઈન્ડિયા’માં સ્થાન અપાવ્યું છે.
એઆઈયુ (AIU) આયોજિત સ્પર્ધામાં કૌવત બતાવ્યા બાદ હવે રીતુ વાજા ખેલો ઈન્ડિયામાં પોતાનું નસીબ અજમાવશે. રમત જગતના નિષ્ણાતોના મતે, રીતુ જે લયમાં રમી રહી છે તે જોતા તે ખેલો ઈન્ડિયામાં મેડલ મેળવવા માટે મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવી છે. તેમની આ પસંદગીથી સૌરાષ્ટ્રના રમતગમત ક્ષેત્રમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી, રજિસ્ટ્રાર અજયસિંહ જાડેજા અને ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ રીતુને બિરદાવી છે. આ ઉપરાંત ટીમ મેનેજર અજય ભાસા અને સમગ્ર અધ્યાપક મંડળે પણ ખેલાડીને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા છે. કુલપતિએ આશા વ્યક્ત કરી છે કે રીતુ આગામી સ્પર્ધામાં પણ યુનિવર્સિટીનું નામ રોશન કરશે.


