અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૨૫માં સમાધિદિનની ભવ્ય ઉજવણી
“રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ૪ થી ૭ એપ્રિલ ચાર દિવસીય આધ્યાત્મિક મહોત્સવ”નું આયોજન
“૭મી એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિ”
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ : ૧૯ મી સદીમાં થયેલ, ભગવાન મહાવીરસ્વામી પ્રણીત જૈન ધર્મના પ્રવર્તક અને ઉદ્ધારક, આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રજીએ અસાધારણ ઉચ્ચ આત્મિક દશા પ્રાપ્ત કરી હતી. કવિ અને દાર્શનિક એવા તીવ્ર પ્રજ્ઞાવંત શ્રીમદ્ રાજચંદ્રજીએ સરળ અને સચોટ ગુજરાતી ભાષામાં, સમગ્ર મોક્ષમાર્ગને ઉજાગર કર્યો, જે તેમનો જગત પ્રત્યે અમાપ અનુગ્રહ છે. તેઓએ રચેલ આત્માના વિષયમાં મહાગીતા સમ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ આધ્યાત્મિક સાહિત્યનું અનમોલ રત્ન છે, જે આજે પણ મોક્ષપિપાસુઓ માટે ભોમિયા સમાન છે. તેમનો બોધ અને સાહિત્ય સદીઓ સુધી લોકોનું માર્ગદર્શન કરવા સક્ષમ છે. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક એવા પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ વિક્રમ સંવત ૧૯૫૭ના ચૈત્ર વદ પાંચમના દિવસે રાજકોટની ભૂમિ પર સમાધિસ્થપણે મહાપ્રયાણ કર્યું હતું. આ પવિત્ર સમાધિદિનને આ વર્ષે સવાસો વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, જેની સ્મૃતિમાં, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા. ૪ એપ્રિલ થી ૭ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન શાસ્ત્રી મેદાન, રાજકોટ ખાતે “પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
૧૨૫ વર્ષ પૂર્વે, જ્વલંત જ્યોતિર્ધર પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી સ્વયં તો ઉચ્ચ ગતિ પામ્યા જ, પરંતુ અનેકાનેક ભવિકજનોની સાધનાને ઊર્ધ્વ દિશા ચીંધતાં ગયા. તેમનું જીવન એ માત્ર ઇતિહાસ નથી, પરંતુ તે આજે પણ આત્મકલ્યાણના માર્ગે આગળ વધવા માટેની જીવંત પ્રેરણા છે. આ પર્વ તેમની અલૌકિક આત્મદશાનું સ્મરણ કરીને અંતર્મુખ થવાનો અને આત્મજાગૃતિનો અદ્વિતીય અવસર બની રહેશે. આ ચાર દિવસીય પર્વ દરમ્યાન પ્રેરણાદાયી પ્રવચનો, ભાવવર્ધક અનુષ્ઠાનો, કીર્તન, નાટ્યપ્રસ્તુતિઓ અને ભવ્ય શોભાયાત્રા જેવી વિવિધ આધ્યાત્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યું છે, જે મુમુક્ષુઓને આત્મપ્રેરણા તરફ દોરી જશે.
સમગ્ર કાર્યક્રમ સવારે રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ અને રાત્રે ૭.૩૦ થી ૯.૩૦ વાગે રહેશે. ૪ એપ્રિલ, શનિવારે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ પૂજ્ય નલિનભાઈ અને સુધાબેન દ્વારા પ્રેરણાદાયી પ્રવચન, રાત્રે ૭.૩૦ થી ૯.૩૦-રાજ સોભાગ આશ્રમ, સાયલાના મુમુક્ષુઓ દ્વારા પરમકૃપાળુદેવની અલૌકિક દશા પર આધારિત નાટ્યપ્રયોગ ૫ એપ્રિલ રવિવારે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ ગુરુદેવ રાકેશજી અને પૂજ્ય બેન રત્નાપ્રભુ દ્વારા પ્રેરણાદાયી પ્રવચન રાત્રે ૭.૩૦ થી ૯.૩૦ પ્રસિદ્ધ કલાકાર હાર્દિક દવે સાથે ભાવમય કીર્તન ૬ એપ્રિલ, સોમવારે સવારે ૭.૦૦ થી ૯.૩૦ શોભાયાત્રા અને શ્રીમદ્ રાજચંદ્ર સમાધિ મંદિરમાં પ્રતિષ્ઠા, સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ પૂજ્ય ગોકુળભાઈ અને સુરેશજી દ્વારા પ્રેરણાદાયી પ્રવચન, રાત્રે ૭.૩૦ થી ૯.૩૦ – શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના મુમુક્ષુઓ દ્વારા લઘુ નાટ્યપ્રસ્તુતિ અને પરમકૃપાળુદેવના જીવન પર આધારિત સંવેદનાત્મક ભક્તિ, ૭ એપ્રિલ, મંગળવાર (ચૈત્ર વદ પાંચમ) – આ સમગ્ર પર્વની પરાકાષ્ટા રૂપ સમાપન દિવસ સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ – સંકીર્તન સભામાં રાજપરિવારના સંતોની દિવ્ય ઉપસ્થિતિ અને પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીનું પ્રાસંગિક ઉદ્બોધન તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સ્વામી અપૂર્વમુનિજી (BAPS), સ્વામી નિખિલેશ્વરાનંદજી (રામકૃષ્ણ મિશન) હાજરી આપશે. બપોરે ૨.૦૦ થી ૩.૦૦ ભાવવાહી ભક્તિ અને મહાઆરતી યોજાશે તેમ ‘અગ્ર ગુજરાત’ કાર્યાલયની મુલાકાતે આવેલા જીતેનભાઇ ભણસાલી, ડીમ્પલબેન કોઠારી તેમજ આત્મન શાહે જણાવેલ હતું.


