જેતપુરમાં સૈયદ જમાત અને તાજિયા વિશે અપશબ્દો બોલનાર સામે કડક કાર્યવાહીની માંગ
નવાગર સાદા જમાત અને કમિટી દ્વારા પોલીસને આવેદન પાઠવી રજૂઆત કરાઈ
અગ્ર ગુજરાત, જેતપુર
જેતપુર શહેરમાં સુન્ની મુસ્લિમ જમાત, જેતપુર નવાગઢ સાદા જમાત તેમજ જેતપુર નવાગઢ તાજીયા યુવક કમિટી દ્વારા સંયુક્ત રીતે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં એક મહત્વપૂર્ણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્ર દ્વારા પોરબંદર અને ઉત્તર પ્રદેશના શખ્સ સામે ધાર્મિક લાગણી દુભાવવા અને મુસ્લિમ સમુદાયમાં વૈમનસ્ય ઊભું કરવાના ગંભીર આરોપો સાથે સખત કાનૂની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તારીખ ૨૦/૦૭/૨૦૨૫ ના રોજ રાત્રતના સુમારે પોરબંદરના મેમણવાડામાં આવેલી નગીના મસ્જિદ પાછળના તાજુસરીયા હોલ (જમાતખાના) ખાતે હેદરી યંગ કમિટી દ્વારા એક જાહેર પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અબ્દુલ સત્તારભાઈ હામદાણી ઉર્ફે સત્તાર મૌલાના (રહે. પોરબંદર) અને મૌલાના હસનૈન બકાઈ (રહે. સફીપુર, ઉત્તર પ્રદેશ) તેમજ અન્ય વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પરથી પ્રવચન આપતી વખતે અબ્દુલ સત્તાર મૌલાનાએ હિન્દી ભાષામાં સૈયદ જમાત અને તાજીયાને લઈને અત્યંત અપમાનજનક, અશોભનીય અને અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, આરોપીઓએ સૈયદ જમાતને ટાર્ગેટ કરી અને તાજીયા કાઢવા તથા માનતાઓ માનનારા લોકોની ધાર્મિક આસ્થા પર ઠેસ પહોંચાડે તેવા નિવેદનો આપ્યા હતા. આ સમગ્ર ભાષણને આરોપીઓની યુટ્યુબ ચેનલ પરથી લાઈવ અપલોડ પણ કરવામાં આવ્યું હતું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મુસ્લિમ સમુદાય અને ખાસ કરીને સૈયદ જમાતમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. અરજદારોએ જણાવ્યું છે કે બહારથી આવતા કેટલાક લોકો દ્વારા આ પ્રકારે જાહેરમાં ભડકાઉ ભાષણો આપી બે જ્ઞાતિઓ કે સમુદાયો વચ્ચે સંઘર્ષ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે સાંપ્રદાયિક સૌહાર્દ માટે જોખમી છે.
આજે જેતપુરના મુસ્લિમ સમાજના વિવિધ કમિટીના અગ્રણીઓની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકોએ જેતપુર સિટી પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહીને પોલીસ આવેદન પાઠવ્યું હતું. તથા ડી.વાય.એસ.પી. સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે માંગ કરી છે કે આ બંને આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક એફ.આઈ.આર. (FIR) દાખલ કરવામાં આવે અને કાયદાકીય તથા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવે. સાથે જ, આ પ્રકારની માનસિકતા ધરાવતા અન્ય તત્વો સામે પણ દાખલારૂપ પગલાં લેવા જોઇએ જેથી ભવિષ્યમાં કોઈ આવી હરકત ન કરે અને સામાજિક શાંતિ જળવાઈ રહે.


