દીવાદાંડી- બાલેન્દુશેખર જાની.
—————————————
જે મલ્યુ છે તેનો આભાર તો માનો!
—————————————
એક શિક્ષક તેના એક વિધ્યાર્થી સાથે ટહેલતા ટહેલતા નદી કિનારે પહોચ્યા. સામે એક આલિશાન હવેલી જોઇ પેલૉ વિધ્યાર્થી બોલ્યો,
” સર ! જુઓ તો ખરા આ હવેલીમાં રહેનાર કેવા નસીબદાર હશે ! ભગવાને આપણાં નસીબ લખતી વખતે આવી હવેલીને બદલે નાનુ એવું મકાન કેમ લખ્યું હશે ? આપણાં નસીબમાં આવી હવેલી કેમ નહિ લખી હોય ? ”
તેની વાતનો ભાવાર્થ શિક્ષક
સમજી ગયા. અને પેલા છાત્રને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં દર્દીઓને બતાવીને બોલ્યા.
” જો બેટા ! આ લોકો કેટલું દર્દ અનુભવી રહ્યા છે. ! કોઇના હાથ ભાંગ્યા છે, તો કોઇ કેન્સર જેવા રોગ સામે ઝઝુમી રહ્યા છે. આ લોકોનાં નસીબ લખતી વખતે ભગવાને તને ક્યાં યાદ કર્યો હતો ? ઉપરવાળો સૌને તેની લાયકાત પ્રમાણે આપી જ દે છે. એટલે તો પેલી કહેવત પડી હશે ને ‘ કીડીને કણ અને હાથીને મણ ‘ તેનું ગણિત કદી ખોટું નથી હોતું. એટલે આપણને જે મલ્યુ હોય જેટલું મલ્યુ હોય તેનૉ સંતોષ માની જે છે તેનો આનંદ ઉઠાવવો જોઇએ અને જે નથી મલ્યુ તેનો અફસોસ શા માટે ? ”
આ દ્રષ્ટાંત ઘણું કહી જાય છે. કોઇની હવેલી કે ગાડી જોઇ એવું થાય કે આપણી પાસે આવું હોત તો ? આટલું થાય ત્યાં સુધી તો ઠીક છે પરંતુ મારી પાસે એવું કેમ નથી ? એવો વસવસો કે બળતરામાં આપણને જે મલ્યુ હોય તે માણવાનું પણ ભૂલાઈ જતું હોય છે. !
કેટલાંક લોકોને ઉપરવાળાઍ તેની લાયકાત પ્રમાણે આપ્યું જ હોવા છતાં ઍ સતત બીજાને મળેલી સુવિધાઓની ઇર્ષા જ કરતા રહે છે. !
એક યુવાન ચાલીને નોકરી કરવા જતૉ એટલે થાક તો લાગવાનો જ છે. તેણે એક સંતને કહ્યું કે ” મહારાજ મારી પાસે કોઇ વાહન નથી.એટલે હું ચાલી ચાલીને ખુબ થાકી જાઊ છુ તો આશીર્વાદ આપો કે વાહનનો યોગ થાય.
સંત હસવા લાગ્યા અને બોલ્યા.
” જો બેટા ! જેની પાસે સાયકલ છે તે એવું વિચારે છે કે મારી પાસે સ્કૂટર હોત તો કેવું સારૂ ? પેન્ડ્લ તો લગાવવા ન પડત ને ? સ્કુટરવાળો એવું વિચારે કે ગાડી હોત તો ટાઢ તડકો કે વરસાદમાં ઉપાધી તો ન રહેત. ને કાર ચલાવનાર એવું વિચારે કે આ કરતા હેલિકોપ્ટર હોય તો અમદાવાદથી ઝડપથી મુંબઈ પહૉચી શકાત. તો હેલિકોપ્ટર ચલાવનાર એવું વિચારે કે આ કરતા મારે ચાર્ટર પ્લેન હોત તો કેવું સારૂ ? આમ ઇચ્છાઓનો કોઇ અંત નથી. પણ પાછળ નજર કરો. પ્લેનવાળો એવું વિચારે કે મારી પાસે ચાર્ટર છે હેલિકોપ્ટર કરતા તો ઝડપી ચાલે. હેલિકોપ્ટરવાળો ઍ વિચારે કે કાર કરતા તો મને ઝડપી પહોચાડે છે. ટ્રાફિકની પણ ચિંતા નહિ. કાર ચાલક એવું વિચારે કે સ્કૂટર કરતા તો સારૂ ટાઢ તડકો તો મને ન લાગે ! ને સ્કૂટર ચલાવનાર એવું વિચારે કે આપણે પેન્ડ્લ તો લગાવવા નથી પાડતા. ને સાયકલવાળો એવું ધારે કે આપણે ચાલવું તો નથી પાડતું. ને પગે ચાલનાર ઍ વિચારે કે કેટલાક લોકોને પગ પણ નથી હોતા ઍ કરાતાં તો મારે સારૂ છે કે હું ચાલી તો શકુ છુ. આમ માણસ પાછળ જોતાં શીખી જાય તો કોઇ પ્રશ્ન નથી. ”
આ સાંભળી પેલૉ યુવક ખુશ થતાં બોલ્યો.
” મહારાજ ! આપણી પદયાત્રા બરાબર છે. થાકને લીધે સરસ ઊંઘ તો આવી જાય છે. ”
યાદ રહે આપણે જે છીએ જ્યાં છીએ જેવા છીએ, અને આપણી પાસે જે છે તે સોનાનું છે. કારણ કે ઘણાં પાસે આવું પણ નથી હોતું. !


