ઉના નજીક ચીખલી ગામે જૂની અદાવતમાં પરિવાર પર લોખંડના પાઈપ અને છરીથી હુમલો
બસ સ્ટેન્ડ પાસે થયેલી બોલાચાલી બાદ ઘર સુધી પીછો કરી 10 શખ્સોએ આચર્યું કૃત્ય:
પિતા-પુત્ર સહિત 4 લોકોને માથામાં 37 ટાંકા, હોસ્પિટલમાં સારવાર હેઠળ
અગ્ર ગુજરાત, ઉના
ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક માલણ વિસ્તાર માં જૂની અદાવતનો ખાર રાખીને એક પરિવાર પર લોખંડના પાઈપ, છરી અને પથ્થર વડે જીવલેણ હુમલો કરવાની ચકચારી ઘટના સામે આવી છે. બસ સ્ટેન્ડ પાસે થયેલી સામાન્ય બોલાચાલી બાદ 10 જેટલા શખ્સોએ પીછો કરીને ઘર સુધી પહોંચી જઈ આખા પરિવાર પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં પિતા-પુત્ર સહિત ચાર લોકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને કુલ 37 ટાંકા આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ઉના તાલુકાના ચીખલી ગામે મઢડાળી માતાના ચોકમાં રહેતા અને ખેતી કરતાવિજય ભાઈ રામજીભાઈ ચુડાસમા એ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. 12/01/2026ના રોજ સાંજે સાડા છ વાગ્યાનાઅરસા માં તેઓ અને તેમના ભાણેજ કમલેશ સરમણસોલંકી બાઈક પર પિતાના ઘરેથી પોતાના ઘરે જઈ રહ્યા હતા.
બસ સ્ટેન્ડથી શરૂ થયો વિવાદ, ઘર સુધી કર્યો પીછો કરી ગામના બસ સ્ટેન્ડ પાસે રાજુભાઈ વંશની દુકાન પાસે પહોંચતા ગામના મહેશ કાના વંશ, રવિ ઠાકુર વંશ અને જયદીપ પીઠા વંશ એ ત્રણેય જણા ઉભા હતા. મહેશ વંશે વિજયભાઈને કહ્યું કે, “મારે મકાન બનાવવું છે, તમારા પાસે જગ્યા હોવા છતાં જગ્યા મને કેમ મકાન બનાવવા આપતા નથી.વિજયભાઈએ જવાબ આપ્યો કે, આપણા બંને વચ્ચે ઝઘડો થાય એ પાછળથી વધે તેવુ કરવુ નથી આટલું કહીને વિજયભાઈ અને કમલેશ ત્યાંથી નીકળી ગયા. પરંતુ મહેશ, રવિ અને જયદીપે તેમનો પીછો કર્યો. સંજય લખમણ પામક ના ઘર પાસે પહોંચતા મહેશ કાના વંશએ હાથમાં છરી લઈને સંજય કાના વંશને બોલાવ્યો હતો
જોતજોતામાં સંજય લખમણ પામક, રવિ ઠાકુર વંશ, કાના ભગવાન વંશ, સુનીલ ભરત વંશ, રાજ ગોવિંદ બાંભણિયા, જયદીપ પીઠા વંશ, સોનલબેન W/O ગોવિંદભાઈ બાંભણિયા અને પાંચીબેન કાનાભાઈ વંશ હાથમાં છરી, લોખંડના પાઈપ અને પથ્થર લઈને ઉભા રહી ગયા.
રોકતા જ સંજય કાના વંશએ વિજયભાઈના માથાના ભાગે લોખંડનો પાઈપ મારી દીધો. કાનાભાઈએ પણ પાઈપનો એક ઘા મારી દીધો. સુનીલ ભરતે છરીનો ઘા માથામાં મારી દીધો. આ હુમલામાં કમલેશભાઈને પણ માથામાં અને હાથમાં માર મારવામાં આવ્યો.
ઝઘડાનો અવાજ સાંભળીને વિજયભાઈના ભાઈ અજયભાઈ તથા પિતા રામશીભાઈ અને માતા શાંતિબેન છોડાવવા વચ્ચે પડ્યા. આ લોકોએ પણ તેમને ન છોડ્યા અને અજયભાઈને રવિ, સંજય અને સુનીલે છરીનો એક એક ઘા મારી દીધો. રાજ ગોવિંદે પથ્થર માથામાં માર્યો. સંજય કાનાએ ડાબા હાથના પોંચા પર છરી મારી. જયદીપ પીઠાએ વાસાના ભાગે છૂટો પથ્થર માર્યો. પિતા રામશીભાઈ અને માતા શાંતિ બેનને પણ માથામાં છરી અને પાઈપના ઘા મારવામાં આવ્યા.
હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા બાદ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. પહેલા પ્રથમ સરકારી દવાખાને લઈ જવાયા, પરંતુ માથામાં ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે લાઈફ કેર હોસ્પિટલ, ઉના ખાતે ખસેડવા માં આવ્યા.
ડોક્ટરના જણાવ્યા મુજબ, વિજયભાઈને માથામાં 3 ટાંકા, પિતા રામશીભાઈને 11 ટાંકા, ભાઈ અજયભાઈને માથામાં અલગ અલગ જગ્યાએ કુલ 13 ટાંકા અને માતા શાંતિબેનને માથામાં 4 ટાંકા આવ્યા છે. આમ કુલ 4 વ્યક્તિને 31 ટાંકા તથા અન્ય ઈજાઓ મળીને 37 ટાંકા આવ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ બનાવનું કારણ જૂની અદાવત છે. મહેશ કાના વંશની બેન નીતાબેન ના બાજુ માં ફરિયાદીનો પ્લોટ આવેલો છે. નીતાબેને મકાન બનાવવા બાબતે આશરે એક વર્ષ પહેલાં મહેશ કાના અને તેના પરિવાર સાથે બોલાચાલી થઈ હતી. તે સમયે કોઈ પોલીસ ફરિયાદ ન કરતા મહેશે મનદુઃખ રાખીને આ હુમલો કરાવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ઉના પોલીસે વિજયભાઈ ચુડાસમાની ફરિયાદના આધારે મહેશ કાના વંશ, રવિ ઠાકુર વંશ, જયદીપ પીઠા વંશ, સંજય લખમણ પામક, કાના ભગવાન વંશ, સુનીલ ભરત વંશ, રાજ ગોવિંદ બાંભણિયા, જયદીપ પીઠા વંશ, સોનલબેન અને પાંચીબેન સહિત 10 લોકો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


