‘સ્નેહ સ્પર્શ’ ટેલેન્ટ શોમાં મંત્ર ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
બાળકો દ્વારા ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જીવંત નિરૂપણ કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાતના પૂર્વ પ્રાંત સંઘચાલક સ્વ. ડો. પી. વી. દોશી (પૂજ્ય પપ્પાજી)ની જન્મજયંતિ નિમિત્તે ‘સ્નેહ સ્પર્શ’ નામના દિવ્યાંગ બાળકોના ટેલેન્ટ શોનું આયોજન તા. 18 જુલાઈ, 2026ના રોજ બપોરે 3:00 કલાકે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મંત્ર ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોએ બે વિશિષ્ટ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત મહાનુભાવો અને દર્શકોની ભરપૂર પ્રશંસા મેળવી હતી. પ્રથમ કૃતિમાં મહાભારત પર આધારિત પૌરાણિક (Mythological) પ્રસ્તુતિ દ્વારા ધર્મ, કર્તવ્ય અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જીવંત નિરૂપણ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી કૃતિમાં દેશપ્રેમની ભાવનાથી ઓતપ્રોત Patriotic Theme Song પર બાળકોની ઉત્સાહભરી રજૂઆતએ સમગ્ર હોલને દેશભક્તિના રંગે રંગી દીધો હતો.
દિવ્યાંગ બાળકોની આત્મવિશ્વાસપૂર્ણ અભિવ્યક્તિ, તાલમેલ, અભિનય અને પ્રસ્તુતિએ સૌને ભાવવિભોર કરી દીધા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોના પ્રયત્નોને બિરદાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
મંત્ર ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ બાળકોના શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક અને વ્યક્તિત્વ વિકાસ માટે સતત કાર્યરત છે. આવા કાર્યક્રમો દ્વારા બાળકોને પોતાની પ્રતિભા રજૂ કરવા માટે સન્માનજનક મંચ મળે છે અને સમાજમાં દિવ્યાંગતા પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળે છે.
‘સ્નેહ સ્પર્શ’ કાર્યક્રમ દિવ્યાંગ બાળકોની અદમ્ય પ્રતિભા, આત્મવિશ્વાસ અને ક્ષમતાનો સુંદર ઉત્સવ બની રહ્યો હતો, જેને ઉપસ્થિત સૌએ હૃદયપૂર્વક વધાવ્યો હતો.


