Gen Zના આક્રોશ સામે આખરે સરકાર ઝૂકી
36 દિવસના ઉગ્ર આંદોલન બાદ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
NEET પેપર લીક વિવાદે લીધો મોટો રાજકીય વળાંક; 21 વિદ્યાર્થીઓના આત્મહત્યાના દાવા વચ્ચે NTAમાં મોટો સફાયો, 47 અધિકારીઓ બરતરફ, સુધારાની કવાયત શરૂ
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
NEET-UG 2026 પેપર લીક પ્રકરણે આખરે કેન્દ્ર સરકારને મોટો રાજકીય નિર્ણય લેવા મજબૂર કરી દીધા છે. છેલ્લા 36 દિવસથી દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને દેશભરના વિદ્યાર્થીઓમાં વધતા આક્રોશ વચ્ચે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પર પણ યુવા વર્ગે સતત સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો, જેના કારણે આ સમગ્ર મુદ્દો માત્ર પરીક્ષા વિવાદ પૂરતો સીમિત ન રહી દેશવ્યાપી જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી ગયો હતો.
ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર જાહેર કરેલા પત્ર દ્વારા પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. વિરોધીઓ શરૂઆતથી જ કહી રહ્યા હતા કે માત્ર તપાસ કે અધિકારીઓ સામેની કાર્યવાહીથી વાત નહીં બને, પરંતુ રાજકીય જવાબદારી પણ નક્કી થવી જોઈએ. અંતે સરકારને આ દબાણ સામે ઝૂકવું પડ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
NEET પેપર લીકને કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો થયો હતો. પરીક્ષા રદ કરીને ફરી લેવાઈ હોવા છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર સમયગાળા દરમિયાન 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાના દાવાઓને કારણે પણ દેશભરમાં ભારે ભાવનાત્મક માહોલ સર્જાયો હતો. વિરોધ પ્રદર્શનોમાં આ મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો.
સરકારે પણ હવે નુકસાન નિયંત્રણની દિશામાં ઝડપથી પગલાં ભરવાનું શરૂ કર્યું છે. શુક્રવારે મોડી રાત્રે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના 47 અધિકારીઓને ફરજમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. માત્ર બરતરફી જ નહીં, પરંતુ તેમની સામે ફોજદારી ગુનાઓ નોંધવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ રહી હોવાનું જણાવાયું છે. સરકારનું માનવું છે કે પરીક્ષા પ્રણાલીમાં જવાબદારી અને પારદર્શિતા લાવવા માટે કડક કાર્યવાહી અનિવાર્ય છે.
આ પહેલા જ શિક્ષણ મંત્રાલયના બે સિનિયર સચિવોની બદલી કરવામાં આવી હતી. હવે NTAના સમગ્ર વહીવટી અને ટેકનિકલ માળખામાં મોટા ફેરફારો કરવાની તૈયારી ચાલી રહી છે. આઉટસોર્સિંગ સિસ્ટમમાં સુધારા, આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ અને પેપર લીકની શક્યતા લગભગ શૂન્ય થાય તેવી નવી પરીક્ષા વ્યવસ્થા તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
સંસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે NTAમાં ચાર વરિષ્ઠ જનરલ મેનેજરની નિમણૂક કરવામાં આવશે. ઉપરાંત UPSCના પ્રતિભા સેતુ પોર્ટલ મારફતે 16 યુવા પ્રોફેશનલ્સને જોડવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે. સરકારનો દાવો છે કે નવી ટીમ પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
યાદ રહે કે 3 મે, 2026ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષાનું પેપર લીક થયાની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં ભારે હોબાળો મચી ગયો હતો. લાખો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળતાં સરકારે આખી પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો હતો. જોકે, તે છતાં વિદ્યાર્થીઓનો રોષ શાંત થયો નહોતો.
દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા એક મહિનાથી સતત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક કાર્યકર્તાઓ આંદોલનમાં જોડાયા હતા. સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે પણ 26 દિવસ સુધી ઉપવાસ કરીને પરીક્ષા પ્રણાલીમાં સુધારાની માંગને વધુ મજબૂત બનાવી હતી. સંસદમાં પણ આ મુદ્દે ભારે હોબાળો થયો હતો અને વિરોધ પક્ષે સરકારને સતત ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
બીજી તરફ સમગ્ર કૌભાંડની તપાસ હાલમાં CBI કરી રહી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને તપાસ એજન્સી ટૂંક સમયમાં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શિક્ષણમંત્રીના રાજીનામા સાથે સરકારે રાજકીય જવાબદારી સ્વીકારવાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓની સૌથી મોટી અપેક્ષા હવે એટલી જ છે કે ભવિષ્યમાં દેશની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર લીક જેવી ઘટના ફરી ક્યારેય ન બને. દેશના લાખો યુવાનો માટે આ માત્ર એક રાજીનામું નહીં, પરંતુ વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા માટેની નવી શરૂઆત સાબિત થાય છે કે નહીં, તેના પર સૌની નજર મંડાઈ છે.
પેપર લીક સામે હવે કડક કાયદો: બિનજામીનપાત્ર ગુનો, ₹1 કરોડ સુધી દંડની જોગવાઈ
પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિ અટકાવવા માટે કેન્દ્ર સરકારે જૂન-2024માં સાર્વજનિક પરીક્ષા (અનિયમિતતા નિવારણ) અધિનિયમ અમલમાં મૂક્યો હતો. તે પહેલાં પેપર લીક માટે કોઈ એક કેન્દ્રીય કાયદો ન હોવાથી છેતરપિંડી, ગુનાહિત ષડયંત્ર અને બનાવટ જેવી IPCની કલમો હેઠળ કેસ નોંધાતા હતા. કેટલાક રાજ્યોએ પોતાના નકલ-વિરોધી કાયદા બનાવ્યા હતા, જ્યારે ઉત્તર પ્રદેશમાં ગંભીર કેસોમાં ગેંગસ્ટર એક્ટ અને મની લોન્ડરિંગ કાયદાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
નવા કાયદા હેઠળ પેપર લીક કરવું, તેમાં મદદરૂપ થવું, OMR શીટ ગેરકાયદેસર રીતે મેળવવી, નકલ કરાવવી, પરીક્ષા સંબંધિત નકલી વેબસાઇટ બનાવવી અથવા પરીક્ષકને ધમકી આપવી જેવા તમામ ગુનાઓને બિનજામીનપાત્ર જાહેર કરવામાં આવ્યા છે.
આ કાયદામાં બે પ્રકારની સજાની જોગવાઈ છે. સામાન્ય રીતે પેપર લીક કે સંબંધિત ગેરરીતિમાં સંડોવાયેલા વ્યક્તિને 3થી 5 વર્ષની જેલ અને ₹10 લાખ સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે પરીક્ષા યોજતી સંસ્થા અથવા એજન્સીના ડિરેક્ટર કે મેનેજમેન્ટના અધિકારીઓની સંડોવણી સાબિત થાય તો 3થી 10 વર્ષની જેલ અને ₹1 કરોડ સુધીના દંડની કડક જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદાનો મુખ્ય હેતુ પરીક્ષા પ્રણાલીને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવાનો છે.


