રાજકોટના 7 વિદ્યાર્થીઓને AICTEની પ્રતિષ્ઠિત સ્કોલરશિપ પ્રાપ્ત
છાત્રોને રૂ.૫૦ હજાર સુધીની શિષ્યવૃત્તિ અપાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
સરકારી પોલિટેકનિક, રાજકોટના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ભારત સરકારના અખિલ ભારતીય તકનીકી શિક્ષણ પરિષદ (AICTE) દ્વારા આપવામાં આવતી પ્રતિષ્ઠિત પ્રગતિ (Pragati) સ્કોલરશિપ’ હેઠળ સંસ્થાની છ વિદ્યાર્થિનીઓની પસંદગી કરવામાં આવી છે.
સ્કોલરશિપ મેળવનાર વિદ્યાર્થિનીઓમાં કોદાવાલા પીયુષા અને મકવાણા દિવ્યા (સિવિલ એન્જિનિયરિંગ વિભાગ), ગોહિલ રિદ્ધિ (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગ), ભટ્ટ જ્યોતિ (ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી વિભાગ), તેમજ નાંધા હિમાંશી અને પંડ્યા વિશ્વા (સિવિલ એન્જિનિયરિંગ વિભાગ)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ખોખર મહંમદ અયાનની ‘AICTE સક્ષમ (Saksham) સ્કોલરશિપ’ હેઠળ પસંદગી કરવામાં આવી છે. તમામ પસંદગી પામેલા વિદ્યાર્થીઓને દર વર્ષે ₹50,000ની સ્કોલરશિપ આગામી ત્રણ વર્ષ સુધી પ્રાપ્ત થશે. જે તેમના ઉચ્ચ તકનીકી અભ્યાસને પ્રોત્સાહન અને આર્થિક સહાય પૂરી પાડશે. આ પ્રસંગે સરકારી પોલિટેકનિક, રાજકોટના આચાર્ય ડો. એ. એસ. પંડ્યાએ તમામ વિદ્યાર્થીઓને તેમની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.


