સીમાબેન જોશીની જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય તરીકે વરણી
વર્ષ ૨૦૨૦માં જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે સફળ નેતૃત્વ આપીને સંગઠનને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ માંકડિયા, વલ્લભભાઈ ઝાપડીયાએ સૌરાષ્ટ્ર ઝોનના અનિરુદ્ધભાઈ દવે તથા રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ભરતભાઈ આર્ય સાથેના વિચાર-વિમર્શ બાદ રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તથા જાણીતા શિક્ષણકાર સીમાબેન જોશીની રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે.
જોશી છેલ્લા ૨૫ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે નિષ્ઠાપૂર્વક જોડાયેલા છે. વર્ષ ૧૯૯૭માં અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ભાજપના સામાન્ય કાર્યકર્તા તરીકે તેમણે રાજકીય સફરની શરૂઆત કરી હતી. ત્યારબાદ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી તેઓ એક કુશળ સંગઠનકાર તરીકે ઓળખ ઉભી કરી છે.
તેઓ વર્ષ ૨૦૦૧થી ૨૦૦૩ દરમિયાન કોટડા સાંગાણી મહિલા મોરચાના ઉપપ્રમુખ, વર્ષ ૨૦૦૩થી ૨૦૦૬ દરમિયાન રાજકોટ જિલ્લા કિસાન મોરચાના કોષાધ્યક્ષ તથા ભાજપના કોષાધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૦૯થી ૨૦૧૨ દરમિયાન રાજકોટ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ, વર્ષ ૨૦૧૨થી ૨૦૧૫ દરમિયાન જિલ્લા ભાજપ સેક્રેટરી, વર્ષ ૨૦૧૮થી ૨૦૨૦ દરમિયાન જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તેમજ વર્ષ ૨૦૨૦માં જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે સફળ નેતૃત્વ આપીને સંગઠનને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય તરીકે થયેલી વરણીને આવકારી રાજકોટ જિલ્લા ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો, વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના પદાધિકારીઓ, બ્રહ્મ સમાજના અગ્રણીઓ તેમજ શુભેચ્છકોએ તેમને મોબાઇલ નં. ૯૭૨૭૯૬૭૩૯૮ પર શુભેચ્છાઓ પાઠવી છે.


