સૌ.યુનિ.ની બેદરકારી! નર્સિંગના ૬૦૦ છાત્રોને બે મહિના બાદ પણ હાર્ડકોપીમાં માર્કશીટ ન મળી
હાર્ડકોપી નહી મળતા નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન માટે હાલાકી : જૂના અને નવા સોફટવેરનો ડેટા મેચ ન થતા સમસ્યા સર્જાઇ હોવાનો બચાવ
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ ખાડે ગયો છે, તેનો પ્રતીતિ કરાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. યુનિવર્સિટીમાં B.Sc. નર્સિંગમાં અભ્યાસ કરતા 600થી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયાના બે મહિના બાદ પણ માર્કશીટની હાર્ડકોપી પ્રાપ્ત થઈ નથી. જેને લીધે આ વિદ્યાર્થીઓનું નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન અટક્યું છે અને તેથી તેઓને નોકરીની સારી તક ગુમાવવી પડી રહી છે. જુના અને નવા સોફ્ટવેરનો ડેટા મેચ થઈ રહ્યો ન હોવાથી આ સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યુ છે. જોકે પરીક્ષા નિયામક ડીનનો અભિપ્રાય લેવાનો હોવાનું ગાણું ગાઈ રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી 2026માં બીએસ.સી.નર્સિંગની પરીક્ષા લેવામાં આવી હતી. 600થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે બાદ તેનું પરિણામ 7 એપ્રિલ,2026ના દિવસે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું. જોકે આ પછી આજે 8 જૂન સુધી એટલે કે બે માસ બાદ પણ વિદ્યાર્થીઓને માર્કશીટની હાર્ડકોપી મળી નથી. જેને કારણે નર્સિંગ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું નથી અને તેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નોકરીથી વંચિત છે અને અન્ય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ સારી જોબ મેળવી આગળ વધી રહ્યા છે. અહીંના વિદ્યાર્થીઓ પણ એવો સવાલ કહી રહ્યા છે કે, શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણ્યા એ અમારો વાંક?
આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ.મનીષ શાહે જણાવ્યુ હતુ કે, હા બી.એસસી. નર્સિંગના સેમેસ્ટર – 8નું પરિણામ હાર્ડકોપીમાં વિદ્યાર્થીઓને મળ્યું નથી તે હકીકત છે. પરંતુ તેમાં અગાઉ વાર્ષિક પરીક્ષાની સિસ્ટમ હતી, ત્યારબાદ સેમેસ્ટર સિસ્ટમ દાખલ થતા પરિણામ કઈ રીતે જાહેર કરવું તેની મુશ્કેલી ઊભી થઈ છે, જો કે આ બાબતે મેડિકલ ફેકલ્ટીના ડીન નંદિની દેસાઈનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. જે અભિપ્રાય આવ્યા બાદ વિદ્યાર્થીઓને હાર્ડકોપીમાં પરિણામ આપવામાં આવશે.


