રાજકોટમાં વધુ એક “બોગસ સ્કૂલ” ધમધમતી હોવાના આક્ષેપ
અંબિકા વિદ્યાલયનું પ્રાથમિક વિભાગ પ્રીમિયર સ્કૂલમાં ચાલતું હોવાની કોંગ્રેસની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત
વિદ્યાર્થીઓના U-DISE રેકોર્ડ જૂની શાળાનું,લીવીંગ સર્ટિફિકેટમા સ્થળફેરની મંજૂરી વગર જ નવો એડ્રેસ: ગંભીર બેદરકારી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં વધુ એક ખાનગી શાળા સામે શિક્ષણ વિભાગના નિયમોના ભંગનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરીને શ્રી અંબિકા વિદ્યાલય દ્વારા મંજૂરીના સ્થળે નહીં પરંતુ અન્ય સ્થળે શાળા ચલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે અને સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ, શિક્ષણ વિભાગ દ્વારા શ્રી અંબિકા વિદ્યાલયના પ્રાથમિક સેકશનને 80 ફૂટ રોડ, કોઠારિયા કોલોની, સોરઠીયા સર્કલ નજીક આવેલા સ્થળ માટે માન્યતા આપવામાં આવી હતી. જોકે હાલમાં શાળાનું પ્રાથમિક વિભાગ યુનિવર્સિટી રોડ પર આવેલી “પ્રીમિયર સ્કૂલ” ખાતે કાર્યરત હોવાનું સામે આવ્યું છે. રજૂઆતમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્થળફેર માટે જિલ્લા શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરી લીધા વગર જ અન્ય સ્થળે શાળા ચલાવવામાં આવી રહી છે.
કોંગ્રેસે જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપેલી રજૂઆતમાં વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. રજૂઆત મુજબ, વિદ્યાર્થીઓના **U-DISE રેકોર્ડ માં હજુ પણ મંજૂરી મળેલા મૂળ સ્થળની શાળાનું નામ અને સરનામું દર્શાવવામાં આવે છે, જ્યારે વાસ્તવમાં વિદ્યાર્થીઓ અન્ય સ્થળે અભ્યાસ કરી રહ્યા હોવાનું જણાવાયું છે. આ બાબતના દસ્તાવેજી પુરાવા પણ રજૂઆત સાથે જોડવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
રજૂઆતમાં વધુ એક ચોંકાવનારો મુદ્દો પણ સામે લાવવામાં આવ્યો કે વિદ્યાર્થીઓને આપવામાં આવતા લિવિંગ સર્ટિફિકેટમાં શ્રી અંબિકા વિદ્યાલયનું સરનામું “કેરાલા પાર્ક” દર્શાવવામાં આવે છે, જ્યારે શિક્ષણ વિભાગના સરકારી રેકોર્ડ મુજબ શાળાની મંજૂરી 80 ફૂટ રોડ, કોઠારિયા કોલોની, સોરઠીયા સર્કલ નજીકના સ્થળની છે. સરકારી દસ્તાવેજમાં આ પ્રકારની વિસંગતતા અત્યંત ગંભીર હોવાનું જણાવતાં કોંગ્રેસે આને વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડ સાથેની ગંભીર છેડછાડ ગણાવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ ખોવાઈ જાય અને ડુપ્લિકેટ મેળવવા દર્શાવેલા સરનામે પહોંચે અથવા વિદેશ અભ્યાસ સહિતના હેતુસર એમ્બેસી કે અન્ય સત્તાવાર વેરિફિકેશન થાય તો વિદ્યાર્થીઓને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી આ સમગ્ર મુદ્દાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે સરકાર કોઈપણ શાળાને માન્યતા આપતી વખતે બિલ્ડિંગની સલામતી, ફાયર એનઓસી, બિલ્ડિંગ યુઝ પરમિશન, વિદ્યાર્થીઓ માટેની મૂળભૂત સુવિધાઓ તથા અન્ય અનેક માપદંડોને આધારે મંજૂરી આપે છે. જો એક સ્થળની મંજૂરી લઈને અન્ય સ્થળે શાળા ચલાવવામાં આવતી હોય તો તે માત્ર નિયમોનો ભંગ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેમના શૈક્ષણિક ભવિષ્ય સાથે પણ ગંભીર ચેડાં સમાન છે.


