વિશ્વાસની આડમાં સોનાં-રોકડની ઉચાપત, CCTVએ ખોલી કાળી કરતૂત
નવી સ્કીમની લાલચ, ખોટાં વાઉચર બિલ અને ખિસ્સામાં સોનું : તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ
રાજકોટ શહેરમાં વિશ્વાસ અને વ્યાવસાયિક નૈતિકતાને કલંકિત કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના જાણીતા જવેલર્સ શોરૂમમાં કેશિયર હેડ તરીકે કાર્યરત કર્મચારી દ્વારા માલિક તેમજ ગ્રાહકો—બન્ને સાથે ઠગાઈ આચરી અંદાજે બે કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. આ કૌભાંડ બહાર આવતા અનેક ગ્રાહકોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો છે અને શોરૂમની વિશ્વસનીયતા પર પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધાવી તપાસનો દોર તેજ કર્યો છે.
ફરિયાદ મુજબ આરોપી હિતેષ શૈલેષ પરમાર મૂળ બોરસદનો રહેવાસી અને હાલ બાલાજી હોલ વિસ્તાર પાસે રહેતો પોતાની વાકચાતુર્ય, ઓળખાણ અને “વિશ્વાસુ કર્મચારી”ની છબીનો લાભ લઈ ગ્રાહકોને નવી-નવી સ્કીમોની લાલચ આપતો. રોકડા રૂપિયા એડવાન્સમાં લઈ, ખોટાં વાઉચર અને બિલ બનાવી ગ્રાહકોને સાચા તરીકે આપતો અને એ જ સમયે શોરૂમના ખાતામાં કોઈ નોંધ કર્યા વિના સોનું પોતાના ખિસ્સામાં નાંખી બહાર નીકળતો. આ સમગ્ર ખેલ લાંબા સમય સુધી ચાલતો રહ્યો.
ફરિયાદકર્તા મનીષભાઈ નથુભાઈ ઘાડીયા (ઉ.વ. 40), રહેવાસી સાકેત પાર્ક, નાના મૌવા મેઈન રોડ, દ્વારા આપવામાં આવેલી વિગત પ્રમાણે આરોપીને વર્ષ 2022માં કેશિયર હેડ તરીકે પ્રમોશન મળ્યું હતું. વિવિધ શોરૂમમાં જવાબદારી સંભાળતા-સંભાળતા તેણે ગ્રાહકો સાથે સીધો સંપર્ક સાધી વિશ્વાસ જીત્યો. કંપનીના મોબાઈલથી કસ્ટમરોને સંપર્ક કરી સ્કીમ સમજાવવી, રોકડા એડવાન્સ લેવાં અને પછી ખોટાં દસ્તાવેજ આપવાનું કૌભાંડ—આ બધું સુવ્યવસ્થિત રીતે કરવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આરોપી સામે શંકા ત્યારે ઘેરાઈ જ્યારે ચાર માસ અગાઉ તેને ગેરવર્તણૂકના કારણે ફરજમુક્ત કરવામાં આવ્યો. ત્યારબાદ એક પછી એક ગ્રાહકો શોરૂમ પર પહોંચ્યા અને પોતાની જમા રકમ તથા સોનાની માંગ કરી. ખાતા તપાસતા કોઈ એન્ટ્રી ન મળતા શંકા દ્રઢ બની. ત્યારપછી CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યું, જેમાં આરોપી ખોટાં બિલ બનાવી સોનાની લગડી, બિસ્કીટ અને ગીની પોતાના પેન્ટના ખિસ્સામાં નાંખી બહાર જતો સ્પષ્ટ દેખાયો.
ગ્રાહક ઇશાબેન સોરઠીયાએ ફરિયાદ કરી કે ડિસેમ્બર 2024થી મે 2025 દરમિયાન તેમણે અલગ-અલગ હપ્તામાં રૂ. 45.40 લાખ સોનાના બિસ્કીટ માટે એડવાન્સ જમા કરાવ્યા હતા. છ માસની સ્કીમ મુજબ 600 ગ્રામ સોનું મળવાનું વચન આપીને આરોપીએ ઓર્ડર વાઉચર આપ્યું હતું. પરંતુ સિસ્ટમમાં તપાસ કરતાં આ રકમ ક્યારેય જમા થઈ જ ન હતી—વાઉચર બનાવટી હોવાનું બહાર આવ્યું.
તે જ દિવસે અંકીતાબેન રૈયાણી શોરૂમ પર આવી અને રૂ. 1 કરોડથી વધુ રકમ તથા 500 ગ્રામ સોનું લીધાની વાત કરી. તપાસમાં તેમના વાઉચર પણ ખોટાં હોવાનું સાબિત થયું. CCTVમાં તા. 21-05-2025ના રોજ સાંજના સમયે આરોપી 450 ગ્રામ સોનાના બિસ્કીટનું પાઉચ ખિસ્સામાં નાંખી લઈ જતો દેખાયો—જે સોનું ગ્રાહકને આપ્યું જ ન હતું.
ચીરાગભાઈ વલ્લભભાઈ ખુંટ અને તેમની બહેન જીગ્નાબેન સાથે પણ આવી જ ઠગાઈ થઈ. રૂ. 1.60 લાખના એડવાન્સ સામે માત્ર રૂ. 60 હજારની જ એન્ટ્રી સિસ્ટમમાં મળી. બાદમાં તેમના નામે ખોટું બિલ બનાવી 20 ગ્રામ સોનાની ગીની પોતાના ખિસ્સામાં લઈ જતો આરોપી CCTVમાં કેદ થયો. વિમલભાઈ ધીરૂભાઈ ખુંટને 100 ગ્રામ સોનાની સ્કીમમાં રૂ. 7.70 લાખ જમા કરાવ્યા હોવા છતાં ખાતામાં કોઈ જમા ન હતી—વાઉચર ફરીથી બનાવટી નીકળ્યું.
તપાસ દરમિયાન વધુ અનેક બનાવટી વાઉચરો અને ખોટાં બિલો મળી આવ્યા. અલગ-અલગ તારીખે આરોપીએ 50 ગ્રામ, 55 ગ્રામ, 100 ગ્રામ બિસ્કીટ, ગીની અને બંગડી—આ રીતે કુલ 265 ગ્રામ સોનું ખોટાં દસ્તાવેજો પરથી લઈ ગયાનું સામે આવ્યું. કુલ રોકડ રૂ. 1.74 કરોડ અને દાગીનાની કિંમત રૂ. 25.57 લાખ—આમ કુલ ઉચાપત રૂ. 1.99 કરોડથી વધુની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આરોપીને શોરૂમ પર બોલાવી ચર્ચા કરાઈ ત્યારે શરૂઆતમાં ગોળમટોળ જવાબો આપ્યા, બાદમાં ઠગાઈની કબૂલાત તો આપી પરંતુ કોઈ રકમ કે સોનું પરત ન આપ્યું. સતત ટાળટૂળ અને ગેરહાજરી બાદ માલિકે કાયદાકીય માર્ગ અપનાવ્યો.આ મામલે તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીના સગા-સબંધીઓ, બેંક ખાતાઓ અને સંભવિત સહયોગીઓની તપાસ હાથ ધરાઈ છે. પોલીસનું કહેવું છે કે વધુ પીડિતો પણ સામે આવી શકે છે.
હાલ તાલુકા પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચાલુ છે. શહેરમાં ચર્ચા છે કે, આવી સુવ્યવસ્થિત ઠગાઈ એકલદોકલ વ્યક્તિ દ્વારા શક્ય હતી કે કોઈ આંતરિક સહયોગ હતો.તે બાબત તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ એટલું ચોક્કસ છે કે, આ કૌભાંડમાં વિશ્વાસનો સૌથી મોટો ભોગ ગ્રાહકો બન્યા છે.અને તેમની આશા હવે ન્યાય પ્રણાલી પર ટકેલી છે.


