અરવિંદભાઇ મણિયાર શાળા નં.૬૧ના આંગણે ગુંજ્યો બાળનાટક ‘માયાવી ડબ્બો’નો જાદુ
શમિક દવેના નિર્દેશનમાં બાળ કલાકારોની શાનદાર અદાકારી; અતિથિઓએ કલાત્મક પ્રયાસને વધાવ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
બાળકોમાં રહેલી સુષુપ્ત કલાશક્તિઓને ખીલવવા અને તેમને ઉત્તમ મંચ પૂરો પાડવાના હેતુથી અરવિંદભાઈ મણીઆર રિસર્ચ સેન્ટરના ‘નાટ્યશાળા પ્રોજેક્ટ’ અંતર્ગત તાજેતરમાં એક સુંદર બાળનાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઠારિયા રોડ, હુડકો પોલીસ સ્ટેશન સામે આવેલી અરવિંદભાઈ મણીઆર શાળા નં-૬૧ ખાતે ‘માયાવી ડબ્બો’ નાટકનું સફળ મંચન યોજાયું હતું. શમિકભાઈ દવેના કુશળ દિગ્દર્શન હેઠળ રજૂ થયેલા આ બાળનાટકમાં બાળ કલાકારોએ પોતાના બહેતરીન અભિનયથી ઉપસ્થિત તમામ દર્શકોના મન મોહી લીધા હતા.
આ કલાત્મક કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે અરવિંદભાઈ મણિઆર જનકલ્યાણ ટ્રસ્ટના કારોબારી સભ્ય અશોકભાઈ પંડ્યા, ‘ટીમ મનદુરસ્તી’ના સભ્યો રેણુકાબેન મહેતા, અમીબેન, કિશનભાઈ તથા આમંત્રિત મહેમાન સંજયભાઈ ઓઝાએ હાજરી આપીને બાળ કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો.
શાળાના પ્રિન્સિપાલ સચિનભાઈ તેમજ પિયુષભાઈ ભુવાએ આ સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અને સફળતા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ બાળકોની ઉત્કૃષ્ટ અદાકારી અને ‘નાટ્યશાળા પ્રોજેક્ટ’ની આ બાળહિતલક્ષી પ્રવૃત્તિને મુક્તકંઠે બિરદાવી હતી.


