ચોમાસાની શરૂઆતમાં રાજયમાં સરેરાશ ૨૫ ટકા વરસાદ, જળાશયોની સપાટી વધી
ડેમોમાં ૪૧.૧૧ ટકા પાણીનો સંગ્રહ, ૧૦ ડેમ હાઇએલર્ટ અને ૧૦ વોર્નિંગ પર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી રાજયના મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. આ વર્ષે સીઝનનો કુલ ૨૪.૬3 ટકા વરસાદ પડતા મોટા ભાગના ડેમોની સપાટી ઊંચી આવતા ૧૦ જેટલો ડેમો હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યો છે.
ગુજરાતમાં હાલમાં મેઘરાજાએ વિરામ લીધી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 223.88 મિમી નોંધાયો છે. જે અત્યાર સુધીના સરેરાશ વરસાદના 24.63 ટકા જેટલો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.69 ટકા સરેરાશ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતના માત્ર 2 તાલુકાઓમાં જ 1-1 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સમગ્ર રાજ્યમાં ક્યાંય વરસાદ વરસ્યો નથી.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ હાલ 65.83 ટકા ભરાયેલો છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં સરેરાશ 41.11 ટકા પાણીનો સંગ્રહ થયો છે. વર્તમાન સ્થિતિએ 10 ડેમ હાઈ એલર્ટ પર, 4 ડેમ એલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ પર છે.
ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 8,324 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 3,711 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. માછીમારો માટે પણ સૂચના જાહેર કરવામાં આવી છે, જેમાં 11 થી 12 જુલાઈ સુધી દરિયો ન ખેડવા IMD દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યમાં હજુ પણ ૭૫ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ છે. GUVNL ના અહેવાલ મુજબ, એક ફીડર હજુ પણ ખોરવાયેલો છે. આ ઉપરાંત, 1529 વીજ પોલ અને 144 ટ્રાન્સફોર્મર સેન્ટરની રિપેરિંગ કામગીરી હાલ પ્રગતિમાં છે.


