લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ‘છકડા રિક્ષા’નું મિનિએચર મોડેલ પ્રદર્શિત કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા સ્થાપિત તથા સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત અને ગુજકોષ્ટ પુરસ્કૃત ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર – રેસકોર્ષ, રાજકોટ દ્વારા સ્થાપિત આઈપી એન્ડ ઇનોવેશન લેબ, રાજકોટ ખાતે આજરોજ તા. ૨૦ જુલાઈ ૨૦૨૬ને બુધવારે રાજકોટનાં ગ્રાસરૂટ ઇનોવેટર મુકેશભાઈ આસોદિયા દ્વારા વિકસાવવામાં આવેલ 151મી ગ્રાસરૂટ ઇનોવેશન કૃતિ પ્રદર્શિત કરવામાં આવી.
મુકેશભાઈ આસોદિયાએ રાજકોટની ઓળખ સમાન વિશ્વવિખ્યાત ‘છકડા રિક્ષા’નું આશરે 18 ઇંચ કદ અને 8 કિલોગ્રામ વજન ધરાવતું સંપૂર્ણ કાર્યરત મિનિએચર મોડેલ તૈયાર કર્યું છે. આ મોડેલ માત્ર દેખાવમાં જ નહીં, પરંતુ કાર્યપદ્ધતિમાં પણ વાસ્તવિક છકડા રિક્ષા જેવું જ છે. તેમાં મૂળ રિક્ષાની જેમ ટાયર, બ્રેક, હેડલાઇટ, મિરર, કિક, એન્જિન તેમજ અન્ય યાંત્રિક ભાગો કાર્યરત સ્વરૂપે સમાવાયા છે. આ મોડેલમાં કરવામાં આવેલી ઝીણવટભરી કારીગરી, યાંત્રિક ચોકસાઈ અને વાસ્તવિકતાને કારણે તે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ પ્રસંગે લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજકોટનાં નિયામક ડૉ. રમેશભાઈ ભાયાણી, ટ્રસ્ટી અને ગુજરાત વિદ્યાપીઠનાં ભુતપુર્વ વાઈસ ચાન્સેલર ડૉ. અનામિક્ભાઇ શાહ, ટ્રસ્ટી અને જાણીતા પક્ષીવિદ વિનોદભાઈ પંડયા, ભારત સેવક સમાજનાં જનાર્દનભાઈ પંડયા, ડૉ. જીતેશ પંડિત, લોક વિજ્ઞાન કેન્દ્રનાં કોર્ડિનેટર મિનેશ મેઘાણી, નિલેશભાઈ રાણા, તૃપ્તિબેન ચૌહાણ, આઈ.પી. ઑફીસર અવિનાશભાઈ વ્યાસ, વગેરે ખાસ ઉપસ્થિત રહેલા.
શાળા, કોલેજ તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓ જો વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ઈનોવેશન અને સર્જનાત્મકતા પ્રત્યે પ્રેરણા જાગૃત કરવા માટે મુકેશભાઈ આસોદિયાના આવા વિવિધ કાર્યરત મિનિએચર મોડેલોના વિશેષ પ્રદર્શનનું આયોજન કરવા ઇચ્છતી હોય, તો તેઓ લોક વિજ્ઞાન કેન્દ્ર, રેષકોર્સ, રાજકોટ ખાતેની આઈપી એન્ડ ઇનોવેશન લેબ, રાજકોટનો સવારે ૧૦ થી સાંજે ૬ સુધીમાં રુબરુ સંપર્ક કરી શકે છે. આવા પ્રદર્શનો વિદ્યાર્થીઓને ગ્રાસરૂટ ઇનોવેશન, સ્વદેશી તકનીકી કૌશલ્ય અને બૌદ્ધિક સંપદા અંગે જાગૃત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.


