આટકોટ નજીક ખારચીયા પાસે કાર અકસ્માતમાં ભાવિ પતિની નજર સામે મંગેતર યુવતીનું મોત
કંકુ પગલાના સામાનની ખરીદી કરવા નીકળ્યા ત્યારે રોંગ સાઈડમાં આવેલી કાર અથડાતા દુર્ઘટના ; ભાવી પતિ અને તેના ભાઈને ઇજા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લામાં આટકોટ નજીક ખારચીયા ગામ પાસે બે કાર વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં જસદણની એક યુવતીનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અકસ્માત સમયે યુવતી પોતાના મંગેતર અને તેના ભાઈ સાથે કંકુ પગલાં માટેની ખરીદી કરવા જઈ રહી હતી, ત્યારે આ કરુણ ઘટના બની હતી.
માહિતી મુજબ, લાઠીના બગીચા પ્લોટ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ મધુભાઈ ડેર (ઉંમર ૨૪) પોતાના મોટાભાઈ સંજય અને મંગેતર વૈશાલીબેન સાથે કારમાં ગોંડલ તરફ જઈ રહ્યા હતા. તેઓ સવારે જસદણથી ખરીદી માટે નીકળ્યા હતા. કાર હિતેશભાઈ ચલાવી રહ્યા હતા.
આ દરમિયાન આટકોટ-ગોંડલ રોડ પર ખારચીયા ગામ નજીક અચાનક સામેની દિશાથી રોંગ સાઈડમાં આવેલી બ્લુ કલરની ગ્રાન્ડ વિટારા કાર ધસી આવી હતી અને બંને વાહનો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં બેઠેલી વૈશાલીબેનના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે સંજયભાઈ બેભાન થઈ ગયા હતા. બાદમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આટકોટની કે.ડી. પરવડીયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે વૈશાલીબેનને મૃત જાહેર કર્યા હતા, જ્યારે સંજયભાઈ અને હિતેશભાઈને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
મૃતક વૈશાલી નાથુભાઈ ભુતૈયા જસદણની રહેવાસી હતી અને ત્રણ બહેનોમાં મધ્યમા હતી. ચાર મહિના પહેલા જ તેની સગાઈ સંજય સાથે થઈ હતી અને લગ્ન પૂર્વેના રિવાજ માટે ખરીદી કરવા જતાં આ દુર્ઘટના બની હતી. આ ઘટના બાદ બંને પરિવારોમાં ગાઢ શોક છવાઈ ગયો છે. આ બનાવ અંગે હિતેશભાઈ ડેરની ફરિયાદના આધારે આટકોટ પોલીસે ગ્રાન્ડ વિટારા કારના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


