બાબા બાગેશ્વરે વિરોધીઓને દરબારમાં આવવા આપ્યું સીધું આમંત્રણ!
પરસોત્તમ પીપળીયાના ‘તંત્ર-મંત્ર અજમાવી જુઓ’ વાળા પડકાર બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીનો પલટવાર; દરબારમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે
અગ્ર ગુજરાત, રાજકોટ
4 જૂનથી બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સમાં 5 થી 7 જૂન દરમિયાન ‘સનાતન સેતુ હનુમાન કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. જો કે, બાબા બાગેશ્વર રાજકોટ પધારે તે પહેલા જ તેની કથાને લઈ વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. સામાજિક આગેવાન પરસોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, ચમત્કાર, તાંત્રિક વિદ્યા કે મેલિવિદ્યા જેવું કશું હોતું નથી. મારી પર મેલીવિદ્યા કે તંત્ર-મંત્ર અજમાવી જુએ. પીપળીયાના આ નિવેદન બાબતે આયોજક દ્વારા બાબા બાગેશ્વરનું ધ્યાન દોરવામાં આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પડકાર ફેંકનારા લોકોને દરબારમાં આવવા આમંત્રણ આપ્યું છે.
મંગેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 5,6, અને 7 જૂનના રોજ ત્રણ દિવસ સનાતન સેતુ હનુમાન કથા’નું દિવ્ય કરવામાં આવ્યું છે જેમાં બીજા દિવસે એટલે કે 6 જૂનના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજવામાં આવશે. આ કથાનું આયોજન હિન્દુ સમાજને સંગઠીત બનાવવાની નેમ સાથે કરવામાં આવી રહ્યું છે. આયોજકોનું કહેવું છે કે સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને ઘર આંગણે બાગેશ્વરધામ સરકારના દર્શન-સત્સંગ કથા અને દિવ્ય દરબારનો ત્રિવેણી સંગમ ભર્યો અનેરો અવસર આવ્યો છે ત્યારે હિન્દૂ ધર્મપ્રેમી ભક્તો સહ પરિવાર જોડાશે તેવો અમને વિશ્વાસ છે.
વિરોધીઓને જવાબ આપતા તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટમા કેટલાક વિરોધીઓ ખોટા નિવેદનો કરી રહ્યા છે. વિરોધ કરતા લોકોએ 2023માં પણ બાબાના આગમન પૂર્વે વિરોધ કર્યો હતો એ જ રીતે આ વર્ષ પણ વિરોધ કરી રહ્યા છે. પૂજ્ય ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ આ અંગે જાણ કરવામાં આવતા તેઓએ પણ સ્પષ્ટ કહ્યું છે કે જેમને ચેલેન્જ કરવી હોય તે કરે અને રૂબરૂ દરબારમાં આવી શકે છે. પરંતુ જયારે જયારે કોઈ મોટી ઇવેન્ટ હોય કોઈ મોટા VIP લોકો આવે ત્યારે કેટલાક વિરોધીઓ આ પ્રકારે વિરોધ કરતા રહે છે અને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે.
થોડા દિવસ પહેલા સામાજિક આગેવાન પુરષોત્તમ પીપળીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી સમાજમાં સનાતન ધર્મનો પ્રચાર કરે કે અન્ય કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યો કે અનુષ્ઠાનો કરે તેની સામે અમને કોઈ જ વાંધો કે વિરોધ નથી. દરેક વ્યક્તિને પોતાના ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે, પરંતુ ધર્મના નામે તેમના દ્વારા અંધશ્રદ્ધા, વહેમ અને ચમત્કારોના ખોટા દાવાઓ ફેલાવવામાં આવી રહ્યા છે, તેની સામે અમારો સ્પષ્ટ અને આકરો વિરોધ છે. ભોળી જનતાને ચમત્કારોની માયાજાળમાં ફસાવીને, લોકોને અંધશ્રદ્ધાના અંધકારમાં રાખીને તેમનો ગેરલાભ લેવો એ માનવતાની વિરુદ્ધ છે અને કાયદાની દ્રષ્ટિએ પણ તે સંપૂર્ણપણે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે. કાયદાના રક્ષક તરીકે આવી ગેરકાયદેસર બાબતો સામે અવાજ ઉઠાવવો એ આપણી સામાજિક ફરજ બને છે. વધુમાં તેમણે વૈજ્ઞાનિક અભિગમ સાથે મોટો દાવો કરતા કહ્યું છે કે, આ આધુનિક દુનિયામાં ચમત્કાર, તાંત્રિક વિદ્યા કે મેલીવિદ્યા જેવું કશું જ અસ્તિત્વ ધરાવતું નથી. વિજ્ઞાનના આ યુગમાં આ બધું માત્ર એક મોટું ડિંડક અને લોકોને ગુમરાહ કરવાનો કારસો છે. સમાજમાં ભયનો માહોલ ઊભો કરવા માટે આ પ્રકારના તત્વો સક્રિય થતા હોય છે. દુનિયાનો કોઈ પણ ભુવા, અઘોરી કે પોતાને ચમત્કારિક ગણાવતા બાબા હોય, તે ક્યારેય કોઈ પણ વ્યક્તિનું કોઈ જ પ્રકારનું નુકસાન કરી શકતા નથી, કારણ કે તેમની પાસે એવી કોઈ દૈવી કે નકારાત્મક શક્તિ હોતી જ નથી.
આ વિવાદ વચ્ચે તેમણે ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું કે, જો કોઈ પણ ચમત્કારિક બાબા પોતાની પાસે આવી શક્તિઓ હોવાનો દાવો કરતા હોય, તો તે ખુલ્લેઆમ મારી પાસે આવે અને મારા પર પોતાની તમામ મેલીવિદ્યા કે તંત્ર-મંત્ર અજમાવી જુએ. હું આવા કોઈપણ પડકારનો સામનો કરવા માટે અને તેમની સામે આવવા માટે મનથી બિલકુલ તૈયાર છું. આ પડકાર આપવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે જનતા સમક્ષ સત્ય ઉજાગર થઈ શકે. આવા અસામાજિક તત્વો ભોળા અને મધ્યમવર્ગીય લોકોના મનમાં માત્ર ભય ફેલાવવાનું કામ કરે છે. એકવાર માણસના મનમાં ભય પેસી જાય, એટલે તે ભય અને લાચારીનો ખોટો લાભ લઈને લોકોનું મોટા પાયે આર્થિક તેમજ શારીરિક શોષણ કરવામાં આવે છે, જે બંધ થવું જોઈએ. પુરષોત્તમ પીપળીયાએ આ મુદ્દે પ્રશાસન અને સરકારની કામગીરી સામે પણ આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, રાજ્યમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો અસ્તિત્વમાં હોવા છતાં, સ્થાનિક પ્રશાસન અને તંત્ર રાજકીય દબાણ હેઠળ દબાયેલું છે. માત્ર અને માત્ર ‘વોટ’ના રાજકારણના કારણે અને પોતાની વોટબેંક સાચવી રાખવા માટે સરકાર આ કાયદાની કડક અમલવારી કરતી નથી. જો સરકાર સમયસર જાગશે નહીં તો સમાજમાં અંધશ્રદ્ધાનું દૂષણ હજુ પણ વધુ વકરી જશે.


