બામણબોર ચેકપોસ્ટ પરથી 31 લાખથી વધુનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
ચંદીગઢથી રાજકોટ તરફ આવી રહેલા ટ્રકમાંથી 20,736 બોટલ મળી; ટ્રક સહિત રૂ.46.20 લાખનો મુદામાલ જપ્ત કરતી ક્રાઈમ બ્રાન્ચ, ડ્રાઇવરની ધરપકડ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યમાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ દરમિયાન રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારૂનો જથ્થો લઈ જતો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો. ટ્રકમાં ખાતર અને કાળી માટીના બાચકાની આડમાં સંતાડીને લાવવામાં આવેલ રૂ.31.10 લાખની કિંમતનો દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ટ્રક સહિત કુલ રૂ.46.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકચાલકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઇમ) ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. તા. 9 જૂનથી 12 જૂન દરમિયાન ચલાવવામાં આવી રહેલી આ ઝુંબેશ દરમિયાન તમામ પોલીસ શાખાઓને વધુમાં વધુ અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ આર.કે. ગોહિલ તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. તેમની સાથે એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, વિજયરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ તુલશીભાઇ ચુડાસમા તેમજ કોન્સ્ટેબલ સંજયભાઈ ખાખરીયા, મુકેશભાઈ સબાડ સહિતનો સ્ટાફ પણ જોડાયો હતો. પેટ્રોલિંગ દરમિયાન ટીમ બામણબોર ચેકપોસ્ટ પહેલાં આવેલી રામદેવ હોટલ નજીક પહોંચી હતી ત્યારે તેમને એક ચોક્કસ બાતમી મળી હતી.
બાતમી મુજબ ટાટા કંપનીનો છ વ્હીલર ટ્રક નંબર GJ-36-X-3778માં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાજકોટ તરફ લાવવામાં આવી રહ્યો હતો. દારૂને છુપાવવા માટે ટ્રકમાં ખાતર અને કાળી માટીના બાચકાઓ ભરેલા હોવાનું દેખાડવામાં આવ્યું હતું. માહિતી મળતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્થળ પર વોચ ગોઠવી દીધી હતી અને શંકાસ્પદ વાહનની રાહ જોવાનું શરૂ કર્યું હતું.
થોડા સમય બાદ બાતમીમાં જણાવ્યા મુજબનો ટ્રક ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. ટ્રક ચલાવનાર વ્યક્તિની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સત્યપાલ ઠાકરારામ ગોદાસ (ઉ.વ. 29), રહેવાસી લાખોલઈ નાડી, બાલોતરા, રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં ટ્રકમાં સામાન્ય માલ ભરેલો હોવાનું જણાતું હતું, પરંતુ પોલીસે શંકાના આધારે વધુ તપાસ શરૂ કરી હતી.
ટ્રકના પાછળના ભાગે ઢાંકવામાં આવેલી કાળી તાલપત્રી હટાવી તપાસ કરતાં સફેદ પ્લાસ્ટિકના બાચકાઓ જોવા મળ્યા હતા. આ બાચકાઓને દૂર કરતાં તેની નીચે ગોઠવેલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. એક પછી એક પેટીઓની ગણતરી કરવામાં આવતા કુલ 20,736 બોટલ વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ.31.10 લાખ હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે દારૂ ઉપરાંત હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ટ્રક પણ કબ્જે કર્યો હતો. દારૂ અને ટ્રક સહિત કુલ રૂ.46.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ ટ્રકચાલક સત્યપાલ ગોદાસની ધરપકડ કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો આ જથ્થો ચંદીગઢમાંથી ભરવામાં આવ્યો હતો અને તેને રાજકોટ તથા આસપાસના વિસ્તારમાં પહોંચાડવાનો પ્લાન હતો. તપાસ દરમિયાન એક મહત્વની વિગતો પણ સામે આવી છે કે ટ્રકચાલકને માર્ગદર્શન અને સૂચનાઓ વોટ્સએપ કોલ મારફતે આપવામાં આવતી હતી. દારૂ ક્યાં પહોંચાડવો અને કયા રૂટથી આગળ વધવું તે અંગે સતત સંપર્કમાં રહેનારા વ્યક્તિઓની ઓળખ મેળવવા પોલીસ દ્વારા મોબાઇલ ફોન અને કોલ ડિટેઇલ્સની તપાસ શરૂ કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા મુજબ આ સમગ્ર રેકેટ પાછળ સંકળાયેલા સપ્લાયર, પરિવહન વ્યવસ્થા ગોઠવનાર અને રાજકોટમાં દારૂ સ્વીકારનાર રીસીવર સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. વોટ્સએપ કોલ અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે સમગ્ર નેટવર્કને શોધી કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં દારૂની હેરાફેરીના પ્રયાસો વધી રહ્યા છે, ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી ગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વો માટે ચેતવણી સમાન માનવામાં આવી રહી છે.


