BAMS પેપરલીકનો વિરોધ કરતા NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી
કડક કાર્યવાહી નહી કરાય તો રાજયભરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી : સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરતા અટકાયત
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા યોજાયેલી બીએએમએસની પરીક્ષાનું પેપર લીક થતા તેના વિરોધમાં રાજકોટમાં કોટેચા ખાતે પ્રદર્શન કરતા એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નિલેશ સોલંકી સહિતના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવી હતી.
આ અંગે પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓના કારણે લાખો મહેનતુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. પરીક્ષા પ્રણાલી પ્રત્યે વિદ્યાર્થીઓનો વિશ્વાસ સતત ડગમગી રહ્યો છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. જો પરીક્ષાઓમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા જળવાઈ નહીં રહે તો વિદ્યાર્થીઓ સાથે મોટો અન્યાય થશે.ગુજરાત પ્રદેશ NSUIએ સરકાર સમક્ષ માંગણી કરે છે કે સમગ્ર પેપર લીક કૌભાંડની ઉચ્ચસ્તરીય, સમયબદ્ધ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, દોષિતોને કોઈપણ પ્રકારનું રાજકીય કે વડીવટી રક્ષણ આપવામાં ન આવે તથા પીડિત વિદ્યાર્થીઓને સંપૂર્ણ ન્યાય મળે તે માટે જરૂરી તમામ પગલાં તાત્કાલિક લેવામાં આવે.
જો સરકાર વિદ્યાર્થીઓના હિતમાં ઝડપી અને અસરકારક કાર્યવાડી નહીં કરે તો રાજ્યભરમાં વધુ ઉગ્ર લોકશાડી આંદોલનો કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને સંબંધિત તંત્રની રહેશે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે અને ન્યાય મળ્યા સુધી NSUIનો સંઘર્ષ અવિરત ચાલુ રહેશે. તેમ અંતમાં જણાવ્યું હતું.


