BAPS સ્વામિનારાયણ મંદિરે રથયાત્રા પર્વની ઉજવણી કરાઇ
રથયાત્રા એટલે જીવનયાત્રામાં દેહરૂપી રથની લગામને પ્રભુના હાથે સોંપવાનું પર્વ
અગ્ર ગુજરાત, રાજકોટ
સનાતન ધર્મની પવિત્ર પરંપરા મુજબ દર વર્ષે અષાઢી બીજના દિવસે યોજાતી ભગવાનની રથયાત્રા હિંદુ ધર્મના સાંસ્કૃતિક અને પૌરાણિક વારસાને જીવંત રાખતી રહી છે. આપણા જીવનરથના સારથિ ભગવાનને સુશોભિત રથમાં આરૂઢ કરી, તેઓને શહેરના રાજમાર્ગો પર વિહાર કરાવવો અને તેઓના આવા અલભ્ય દર્શન કરવા તે જીવનનો અણમોલ લ્હાવો બની રહે છે.
રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા ગુરુવારે રથયાત્રાનો ઉત્સવ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકોટ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી, પૂ.અપૂર્વમુનિ સ્વામીએ કલાત્મક રથમાં બિરાજમાન ભગવાન શ્રી જગન્નાથજી, શ્રી બળભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજને કુમકુમનો ચાંદલો કરી રથયાત્રાનો આરંભ કરાવ્યો હતો. આ રથયાત્રા વરસતા વરસાદમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરેથી શરુ થઈ, કાલાવડ રોડ અંડરપાસ થઈ મંદિરે વિરામ પામી હતી. રાજકોટ મંદિરના તમામ સંતોની સાથે હરિભક્તોએ ભક્તિપદોના ગાન સાથે ભગવાનને પધરાવેલ રથને વિહાર કરાવવાનો લાભ પ્રાપ્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે ભારતીય ઉત્સવોની સંસ્કૃતિને સદાય જીવંત રાખી છે. ફુલદોલોત્સવ હોય કે રામનવમી, જન્માષ્ટમી હોય કે રક્ષાબંધન, પ્રત્યેક ઉત્સવોની ગરિમાને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ હંમેશા જીવંત રાખી છે. રથયાત્રાના ઉત્સવના દિવસે ઠાકોરજીને રથમાં બિરાજમાન કરીને વિહાર કરાવવામાં આવે છે. આ રથયાત્રાનો ઉત્સવ માત્ર એક જ સંદેશ આપે છે કે, જો મનુષ્યના જીવનની દોરી ભગવાનના હાથમાં આપવામાં આવે એટલે કે જો ભક્ત ભગવાનના ચરણે પોતાનું જીવન સમર્પિત કરે, તો ભગવાન તેના જીવન રથ ને ક્યારે ભટકવા દેતા નથી.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે હંમેશા પ્રત્યેક ઉત્સવને અનેક ભક્તો સાથે ભવ્યતાથી ઉજવ્યા છે એ જ પરંપરામાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની હાજરીમાં સારંગપુર ખાતે રથયાત્રાનો ઉત્સવ ઉજવાયો હતો.


