BAPS સ્વામિનારાયણ મંદિરે ગુરૂ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી
સંતોની ઉપસ્થિતિમાં રાજકોટના ભક્તો ભાવિકોએ કરી ગુરુવંદના
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય સંસ્કૃતિમાં અષાઢી પૂર્ણિમાનો આજનો દિવસ ‘ગુરૂપૂર્ણિમા’ તરીકે પ્રસિદ્ધ છે. સનાતન ધર્મની પવિત્ર પરંપરા મુજબ વિષય, વ્યસન અને વહેમથી મુક્ત કરી, લૌકિક અને અલૌકિક સુખ પ્રદાન કરી, શિષ્યને બ્રાહ્મીસ્થિતિ કરાવી ભગવાનના અક્ષરધામ સુધી લઈ જનારા ગુણાતીતગુરુના અનંત ઉપકારોની સ્મૃતિ અને સ્તુતિ કરવાનું પર્વ એટલે ગુરુપૂર્ણિમા! સમસ્ત ભારતવર્ષ પોતાના ગુરૂનું પૂજન કરી શુભ પ્રેરણા મેળવે એ હિન્દુધર્મની પ્રણાલિકા છે. આ પ્રણાલિકા મુજબ બી.એ.પી.એસ. સંસ્થાના હજારો કેન્દ્રોની અંદર ધામધૂમપૂર્વક ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે.
આજે ગુરુપૂર્ણિમાના ઉત્સવે રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વહેલી સવારે ૬ વાગ્યે મંદિરે ઠાકોરજીની મંગળા આરતી બાદ સંતો ભક્તોએ માળા જાપ અને પ્રદક્ષિણા દ્વારા મંગળા ભક્તિ અદા કરી હતી. સવારે ૭:૩૦ વાગ્યે શ્રી નીલકંઠવર્ણીની આરતી અને અભિષેક વિધિ યોજાઈ હતી. ત્યારબાદ ૭:૩૦ વાગ્યે ઠાકોરજીની શણગાર આરતી બાદ ઠાકોરજી અને ગુરુપરંપરા સમક્ષ પૂજ્ય સંતો દ્વારા ગુરુમહિમાના કીર્તનોનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિરના ઘુમ્મટ નીચે સંતો અને હરિભક્તોએ ગુરુહરિ મહંતસ્વામી મહારાજ સમક્ષ શાંતિપાઠ, સ્વસ્તિવાચન, પૂજન સંકલ્પ અને પુષ્પાંજલિ દ્વારા ગુરૂભક્તિઅર્ધ્ય અર્પણ કર્યું હતું. રાજકોટ મંદિરના પૂજ્ય સંતોએ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજ અને ગુરુહરિ મહંતસ્વામી મહારાજનું પૂજન કર્યું હતું. ત્યારબાદ હરિભક્તો પણ ગુરૂપૂજનમાં જોડાયા હતા.
આ દિવસે ગુરુપૂર્ણિમાના વિશિષ્ટપર્વે પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ ગુરુપૂર્ણિમા પ્રવચનનો લાભ આપી ગુરુમહિમાની દ્રઢતા કરાવી હતી. સવારે ૮:૩૦ વાગ્યે ગુરુપૂર્ણિમા નિમિત્તે મંદિરે પરિસર પર વૈદિક મહાપૂજા યોજવામાં આવી હતી જેનો ઉપસ્થિત હરિભક્તોએ લાભ લીધો હતો. ગુરુપૂજન અને આરતી દ્વારા આ મહાપૂજાવિધિ પૂર્ણ કરવામાં આવી હતી.


