જેતપુરમાં બારદાનના વેપારમાં વેપારી સાથે 2.05 લાખની છેતરપિંડી
15,950 કોથળામાંથી 5,775 કોથળા રસ્તામાં જ ગાયબ; ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ, તપાસ શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
જેતપુરમાંથી રાજકોટ મોકલવામાં આવેલા બારદાનના જથ્થામાંથી હજારો કોથળા રસ્તામાં જ ગાયબ કરી દેવાના બનાવે વેપારી વર્તુળમાં ચકચાર મચાવી છે. બીલખાના એક કમિશન એજન્ટે ટ્રક ચાલક પર રૂ.2.05 લાખની કિંમતના 5,775 બારદાન સગેવગે કરી નાખ્યાનો આક્ષેપ કરતાં જેતપુર સિટી પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
ફરિયાદ મુજબ, બીલખા ગામના રહેવાસી અને બારદાનના કમિશન એજન્ટ સુફીયાનભાઈ ભીખુભાઈ સુવાણે રાજકોટના વેપારી બલદેવભાઈ ભીડ સાથે 16 હજાર જેટલા બારદાનના સોદા અંગે વાતચીત કરી હતી. બંને વચ્ચે પ્રતિ કોથળા દલાલી અને ભાવ નક્કી થયા બાદ જેતપુરના ચાંપરાજપુર સ્થિત હરિઓમ એન્ટરપ્રાઇઝ તેમજ માર્કેટિંગ યાર્ડમાં આવેલી ખોડીયાર મીની ઓઈલ મિલના ગોડાઉનમાંથી કુલ 15,950 બારદાન ટ્રકમાં ભરાવી રાજકોટ મોકલવામાં આવ્યા હતા.
વેપારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, માલ ભર્યા બાદ ટ્રકને તાલપત્રથી ઢાંકી રવાના કરવામાં આવ્યો હતો. બીજા દિવસે ટ્રક ચાલકે ફોન પર ટ્રકના બે ટાયર ફાટ્યા હોવાનું કારણ આપી વિલંબ થવાની જાણ કરી હતી અને ત્યારબાદ માલ પહોંચાડી દેવાની ખાતરી પણ આપી હતી.
જોકે, માલની ડિલિવરી સમયે વેપારીને માત્ર 10,175 બારદાન જ મળતાં 5,775 કોથળાની અછત સામે આવી હતી. આ અંગે ટ્રક ચાલક શબીર ઇકબાલને પૂછપરછ કરતાં તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. વધુમાં, તેને પોલીસ સ્ટેશન લઈ જવાની વાત થતાં તે ટ્રક લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
આ સમગ્ર ઘટનાને પગલે કમિશન એજન્ટે ટ્રક ચાલક સામે રૂ.2.05 લાખની કિંમતના બારદાનની ગેરરીતે ઉચાપત અને વિશ્વાસઘાત અંગે ફરિયાદ નોંધાવી છે. બનાવની ગંભીરતા ધ્યાનમાં રાખી જેતપુર સિટી પોલીસના પીઆઈ એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.બી. બલદાણીયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ ટ્રક ચાલકની શોધખોળ સાથે ગાયબ થયેલા બારદાન ક્યાં વેચાયા અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારી રહી છે.


