ઇંધણની સંગ્રહખોરી અટકાવવા રાજય સરકાર એકશનમાં
બેરલ-કેનમાં પેટ્રોલ-ડિઝલ આપવા પર પ્રતિબંધ
રાજકોટ સહિત તમામ કલેકટર અને પુરવઠા અધિકારીઓને કડક સૂચના મોનિટરીંગ કરવા સૂચન : કૃત્રિમ અછત ઊભી કરનાર સામે આવશ્યક ચીજવસ્તુ ધારા હઠળ કાર્યવાહી કરવા આદેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
પેટ્રોલ ડીઝલ જથ્થાની અછતને લઈને હાલ સ્થિતિ ડામાડોળ થઈ રહી છે. ત્યારે પુરવઠા વિભાગે ગુજરાતના તમામ કલેક્ટર, પુરવઠા અધિકારીને પત્ર લખીને પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરી અટકાવવા જણાવ્યું છે. ડીઝલ માત્ર વાહનની ટાંકીમાં જ ભરવા સૂચના અપાઈ. કોઈ પણ બેરલ કે અન્ય પાત્રમાં પેટ્રોલ ડીઝલ ન આપવા સૂચના અપાઈ. જો કોઈ વિક્રેતા સંગ્રહખોરી કરશે તો કાર્યવાહી કરશે. કુત્રિમ અછત ઉભી કરશે તો પણ કાર્યવાહી કરાશે અને આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ કાર્યવાહી થશે તેવી સૂચના અપાઈ છે.
પુરવઠા વિભાગે રજૂ કરાયેલા પરિપત્રમાં જણાવ્યું કે, હાલમાં સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અફવાઓથી રાજયમાં કોઈ કોઈ સ્થળોએ પેટ્રોલ અને ડીઝલનું Panic Buying શરૂ થયેલ છે. ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. રાજ્યના તમામ મુખ્ય ડેપો અને રિફાઈનરીઓ દ્વારા પેટ્રોલ પંપો પર નિયમિત રીતે ઈંધણ પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતુ સાંપ્રત પરિસ્થિતિમાં પેટ્રોલ પંપ પરથી વેંચાણ કરવામાં આવતાં પેટ્રોલ તથા ડીઝલનો જથ્થો ખોટી રીતે સંગ્રહ ના થાય તે માટે પરિપત્રીત કરવામાં આવ્યો છે.
સામાન્ય જનતા પર મોંઘવારીનો કોરડો વીંઝાયો છે. માત્ર 9 દિવસમાં ત્રીજી વખત તેલના ભાવ વધ્યા છે. 15 મેના રોજ પ્રતિ લિટર 3 રૂપિયા અને 19 મેના રોજ 90 પૈસા વધ્યા બાદ ફરી એકવાર પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો ઝીંકાયેલો ભાવવધારો જનતાની ચિંતા વધારી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર 99.51 રૂપિયા સુધી પહોંચી ગયું છે, જ્યારે ગુજરાતમાં પણ આંકડો સદી ફટકારવાની નજીક છે. રાજકોટના સ્થાનિકોનું કહેવું છે કે, હવે બજેટ ખોરવાઈ જતાં લોકોએ બિનજરૂરી બહાર ફરવાનું બંધ કરીને માત્ર કામ પૂરતા જ વાહનો કાઢવાનું શરૂ કર્યું છે.
કામ વગર વાહન બહાર કાઢતા ડરતા લોકો
રાજકોટના લોકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે રોજબરોજ પેટ્રોલના વધતા ભાવના કારણે ઘરખર્ચ ઉપર સીધી અસર પડી રહી છે. સામાન્ય માણસ માટે વાહન ચલાવવું પણ હવે મોંઘું બની રહ્યું છે. કેટલાક લોકોએ જણાવ્યું કે પહેલા જ્યાં બિનજરૂરી ફરવા માટે વાહનોનો ઉપયોગ થતો હતો, ત્યાં હવે માત્ર જરૂરી કામ માટે જ વાહન બહાર કાઢવું પડી રહ્યું છે. લોકોનું કહેવું છે કે જો આવું જ ચાલુ રહેશે તો આગામી સમયમાં પરિવહન ખર્ચ વધતા મોંઘવારીમાં પણ વધારો થઈ શકે છે. સામાન્ય નાગરિકોએ સરકારને અપીલ કરી છે કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ ઉપર નિયંત્રણ લાવવા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવે જેથી સામાન્ય જનતાને રાહત મળી શકે છે.
માત્ર ટાંકીમાં જ ઈંધણ મળશે:
રાજ્યના દરેક પેટ્રોલ પંપ પરથી પેટ્રોલતથા ડીઝલનું વેચાણ માત્ર વાહનોની ટાંકીઓમાં ભરવા પૂરતું જ સીમિત રહેશે. વાહન સિવાયના અન્ય કોઈ પણ પાત્ર, પ્લાસ્ટિકના ડબ્બા કે લોખંડના બેરલમાં પેટ્રોલ-ડીઝલ આપવા પર સખત પ્રતિબંધ લગાવાયો છે. જો કોઈ પેટ્રોલ પંપ સંચાલક કે વેપારી કૃત્રિમ અછત ઊભી કરશે તો તેની સામે ‘આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955’ (Essential Commodities Act) હેઠળ ગુનો નોંધી જેલભેગા કરાશે.


