થિરુવંતપુરમ-પોરબંદર એક્સપ્રેસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
બાથરૂમની છત અને વ્હીલ પાસે સંતાડેલી 424 વિદેશી દારૂની બોટલો ઝડપાઈ
રાજકોટ રેલ્વે એલસીબીની સતર્ક કામગીરીથી ગોવાથી આવતો દારૂનો જથ્થો પોરબંદર રેલ્વે યાર્ડમાં જ ઝડપાયો; સપ્લાયર અને સ્થાનિક રિસીવરની શોધખોળ તેજ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ટ્રેન મારફતે વિદેશી દારૂની હેરાફેરીના નવા-નવા કીમિયા સામે આવતા રહે છે. આવી જ એક ચોંકાવનારી હેરાફેરીનો ભાંડો રાજકોટ રેલ્વે એલસીબીની ટીમે ફોડ્યો છે. થિરુવંતપુરમ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં અત્યંત ચાલાકીપૂર્વક બાથરૂમની છતની અંદર તેમજ એસી કોચના વ્હીલ નજીક આવેલા બેટરી બાસ્કેટમાં સંતાડીને લાવવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે પોરબંદર રેલ્વે યાર્ડમાંથી ઝડપી પાડ્યો હતો. કાર્યવાહીમાં કુલ 424 બોટલ વિદેશી દારૂ, અંદાજે રૂ. 1.11 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.
રેલવે વિસ્તારમાં વધી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તે દરમિયાન રાજકોટ રેલ્વે એલસીબીની ટીમને ખાનગી બાતમી મળી હતી કે થિરુવંતપુરમ-પોરબંદર એક્સપ્રેસ મારફતે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બાતમી વિશ્વસનીય જણાતાં પોલીસે સમગ્ર ઓપરેશન ગુપ્ત રાખીને ટ્રેન પર સતત નજર રાખી હતી.
પોલીસ ટીમે રાજકોટથી જ ટ્રેન પર વોચ ગોઠવી હતી અને ટ્રેન પોરબંદર પહોંચ્યા બાદ રેલ્વે યાર્ડમાં ઊભી રહેતાં જ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન બી-1, બી-2 અને બી-6 એસી કોચમાં શંકાસ્પદ સ્થળોની ચકાસણી કરવામાં આવી હતી. સામાન્ય મુસાફરને નજરે પણ ન ચઢે તેવી જગ્યાઓ પસંદ કરીને બુટલેગરોએ દારૂ સંતાડ્યો હોવાનું સામે આવ્યું હતું.
તપાસ દરમિયાન પોલીસને સૌથી પહેલાં બાથરૂમની ઉપરની છતમાં ફેરફાર થયેલો જણાયો હતો. સ્ક્રૂ ખોલીને અંદર તપાસ કરતાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. ત્યારબાદ ટ્રેનના નીચેના ભાગમાં આવેલા એસી કોચના વ્હીલ નજીક બેટરી રાખવામાં આવતી બાસ્કેટની તપાસ કરતાં ત્યાંથી પણ મોટી સંખ્યામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગરોએ ટ્રેનની રચનાનો અભ્યાસ કરીને એવી જગ્યાઓ પસંદ કરી હતી જ્યાં સામાન્ય ચેકિંગમાં કોઈની નજર જ ન જાય.
પોલીસે વિવિધ બ્રાન્ડની કુલ 424 બોટલ વિદેશી દારૂ કબ્જે કરી હતી. સમગ્ર જથ્થાની કિંમત અંદાજે રૂ. 1,11,480 હોવાનું બહાર આવ્યું છે. આ અંગે જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો ગોવાથી ટ્રેન મારફતે મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસનું ધ્યાન દારૂ મોકલનાર બુટલેગર તેમજ પોરબંદર અથવા આસપાસના વિસ્તારમાં આ જથ્થો સ્વીકારવાના હતા તેવા સ્થાનિક રિસીવરને શોધવા તરફ કેન્દ્રિત થયું છે. ટ્રેનમાં મુસાફરી કરનાર શંકાસ્પદ વ્યક્તિઓ, રિઝર્વેશનની વિગતો, સ્ટેશન પરના સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી ટ્રેન મારફતે દારૂની હેરાફેરી માટે અલગ-અલગ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી રહ્યા છે. ક્યારેક સામાનમાં તો ક્યારેક ટ્રેનના ટેકનિકલ ભાગોમાં દારૂ સંતાડીને ગુજરાતમાં પહોંચાડવાનો પ્રયાસ થતો હોય છે. જોકે આ વખતે એલસીબીની સતર્કતા અને ચોક્કસ બાતમીના આધારે આખું કાવતરું નિષ્ફળ ગયું હતું.
આ સફળ કામગીરી રેલવેના ડીઆઇજી કે.એન. ડામોર અને પશ્ચિમ રેલવે એસપી યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. એલસીબી ઝોન-2 અમદાવાદના પીઆઈ જી.આર. દેસાઈના સુપરવિઝન હેઠળ રાજકોટ રેલ્વે એલસીબીના પીએસઆઈ જે.એમ. પરમારના નેતૃત્વમાં ટીમે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. કાર્યવાહીમાં એએસઆઈ રામજીભાઈ, ધર્મેન્દ્રસિંહ તથા કોન્સ્ટેબલ ભુપતભાઈ, જયેશભાઈ અને હસમુખભાઈ સહિતના પોલીસકર્મીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
પોલીસનું માનવું છે કે આ જથ્થો કોઈ સંગઠિત બુટલેગર નેટવર્ક દ્વારા મોકલવામાં આવ્યો હોવાની શક્યતા છે. તપાસ આગળ વધતાં દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા વધુ લોકોના નામ ખુલવાની તેમજ સમગ્ર સપ્લાય ચેઇનનો પર્દાફાશ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં પોલીસે જપ્ત કરાયેલા દારૂનો કબ્જો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


