બેડલા ગામે મકાનમાંથી 2.83 લાખનો વિદેશી દારૂ ઝડપી લેતી PCB, બુટલેગર ફરાર
1108 બોટલનો જથ્થો કબ્જે; જામુન ફ્લેવર્ડ વોડકા સહિત વિવિધ બ્રાન્ડ મળી
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરમાં દારૂની ગેરકાયદેસર હેરફેર સામે ચાલી રહેલા અભિયાન દરમિયાન પોલીસ ક્રાઇમ બ્રાન્ચ (પીસીબી)ને વધુ એક મોટી સફળતા મળી છે. રાજકોટ-અમદાવાદ હાઇવે નજીક આવેલા બેડલા ગામ વિસ્તારમાં એક મકાનમાં છુપાવી રાખવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. જોકે દરોડા દરમિયાન મુખ્ય આરોપી પોલીસના હાથમાંથી સરકી જતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને એડિશનલ પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીકના માર્ગદર્શન હેઠળ પીસીબીની ટીમ ગેરકાયદેસર દારૂના ધંધા સામે સતત કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન પીઆઈ એમ.આર. ગોંડલીયાની દેખરેખ હેઠળ કાર્યરત ટીમને બેડલા ગામ વિસ્તારમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ ઉમેશ ચાવડા, દિલીપ બોરીચા અને કોન્સ્ટેબલ વિશાલ દવે સહિતની ટીમે ફાળદંગથી બેડલા તરફ જવાના માર્ગ પર આવેલા એક મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની કુલ 1108 બોટલ મળી આવી હતી. જેમાં જામુન ફ્લેવર્ડ વોડકા સહિતના વિદેશી દારૂનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા જથ્થાની કુલ કિંમત રૂ.2,83,820 હોવાનું પોલીસે જણાવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો રવિ વીહા કાગડીયા નામના વ્યક્તિનો હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસ પહોંચે તે પહેલાં જ આરોપી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ કોને સપ્લાય થવાનો હતો તે દિશામાં પણ તપાસ આગળ વધારી છે.


