પ્રેમના વાયદા પાછળનો દગો! નર્સને ગર્ભવતી બનાવી ત્યજી દેનાર શખ્સ ઝડપાયો
ઇન્સ્ટાગ્રામથી શરૂ થયેલી મિત્રતા પ્રેમસંબંધમાં પરિણમી, લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યાનો આરોપ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા દુષ્કર્મના એક ગંભીર કેસમાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચયમાં આવેલા યુવકે લગ્નના વાયદા કરી યુવતી સાથે સંબંધ બાંધ્યા હોવાનો અને બાદમાં તેને ગર્ભવતી અવસ્થામાં ત્યજી દીધાનો આક્ષેપ સામે આવ્યો છે.
ફરિયાદ મુજબ, ગીર ગઢડા વિસ્તારની 23 વર્ષીય યુવતી રાજકોટની એક ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. આ દરમિયાન દોઢેક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર નિકુલ ચૌહાણ નામના યુવક સાથે તેનો સંપર્ક થયો હતો. શરૂઆતમાં સામાન્ય વાતચીતથી શરૂ થયેલો પરિચય ધીમે ધીમે પ્રેમસંબંધમાં ફેરવાયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ-લે થતાં ફોન અને વોટ્સએપ પર સતત સંપર્ક રહેવા લાગ્યો હતો. યુવતીના જણાવ્યા મુજબ, નિકુલ ચૌહાણે તેને લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. યુવતીએ પણ તેના પ્રસ્તાવને સ્વીકારતાં બંને વચ્ચે મુલાકાતો શરૂ થઈ હતી. એક પ્રસંગે આરોપી યુવતીને શહેરની એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં લગ્ન કરવાની ખાતરી આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પણ અનેક વખત સમાન રીતે સંબંધો બાંધવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
થોડા સમય બાદ યુવતીને પોતે ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે આરોપીને જાણ કરતાં તેણે બાળક પોતાનું જ હોવાનું કહી ભવિષ્યમાં લગ્ન કરી લેવાની ખાતરી આપી હતી. જોકે સમય પસાર થતાં યુવતીએ લગ્ન અંગે દબાણ કરતાં આરોપીએ અચાનક સંબંધ તોડી નાખ્યો હતો અને તેનો સંપર્ક પણ બંધ કરી દીધો હતો. યુવતીનો ફોન નંબર બ્લોક કરી દેતા તે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. દરમિયાન એપ્રિલ 2026માં યુવતીની તબિયત બગડતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાં ડોક્ટરોએ તે ગર્ભવતી હોવાનું પરિવારને જણાવ્યું હતું. બાદમાં યુવતીએ બાળકીનો જન્મ આપ્યો હતો અને સમગ્ર ઘટનાક્રમ પરિવાર સમક્ષ ખુલ્લો મૂક્યો હતો. પરિવારજનોએ આરોપી સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે કોઈ જવાબદારી સ્વીકારી ન હોવાનું સામે આવ્યું હતું.
આખરે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી તળાજા વિસ્તારના નિકુલ સુરેશભાઈ ચૌહાણની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને કેસની વધુ તપાસ હાથ ધરી છે.


