ભક્તિનગર રેલવે સ્ટેશન પર 59.27 લાખનો શંકાસ્પદ સોના-ચાંદી અને રોકડનો જથ્થો ઝડપાયો
વેરાવળના 65 વર્ષીય વૃદ્ધ પાસેથી 14.95 લાખની રોકડ, સોના-ચાંદીના ઢાળિયા અને ઘરેણાં મળ્યાં; બિલ કે આધાર-પુરાવા ન મળતાં રેલવે પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ દ્વારા કરવામાં આવેલી નિયમિત ચેકિંગ દરમિયાન એક વૃદ્ધ મુસાફર પાસેથી આશરે રૂ. 59.27 લાખનો શંકાસ્પદ મુદ્દામાલ મળી આવતા સમગ્ર ઘટનાએ ચર્ચા જગાવી છે. મુસાફરની બેગમાંથી મોટી માત્રામાં સોના-ચાંદીના ઢાળિયા, સોનાના દાગીના અને રૂ. 14.95 લાખની રોકડ મળી આવી હતી. જોકે આ તમામ માલસામાન અંગે કોઈ પ્રકારના બિલ, ખરીદીના દસ્તાવેજો કે કાયદેસર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેતાં પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઝડપાયેલા વૃદ્ધે પોતાની ઓળખ રસિકલાલ છોટાલાલ જગડા (ઉંમર 65), રહે. તપેશ્વર મંદિર રોડ, સંતકૃપા સાગરકુંજ, જુના કુંભારવાડા, વેરાવળ તરીકે આપી હતી. શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે તેઓ વેરાવળના કેટલાક સોની વેપારીઓ પાસેથી સોનું, ચાંદી અને રોકડ મેળવી રાજકોટના દાગીના બનાવતા વેપારીઓ સુધી પહોંચાડવાનું કામ કરતા હતા અને તેના બદલામાં કમિશન મેળવતા હતા. જોકે આ વ્યવહાર કાયદેસર રીતે નોંધાયેલો હતો કે નહીં, તેમજ તેમાં કરચોરી કે અન્ય કોઈ ગેરરીતિ તો નહોતી ને, તે મુદ્દે હવે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ પશ્ચિમ રેલવે અમદાવાદના અધિક્ષક પરીક્ષિતા રાઠોડના સુપરવિઝન હેઠળ રાજકોટ રેલવે પોલીસ દ્વારા રેલવે પરિસરમાં મિલકત સંબંધિત ગુનાઓ અને શંકાસ્પદ હિલચાલ અટકાવવા માટે વિશેષ પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીઆઈ એચ. એમ. રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી. જે. જાડેજા અને કે. યુ. વાળાની દેખરેખમાં પોલીસની ટીમ ભક્તિનગર રેલવે સ્ટેશન પર સઘન તપાસમાં વ્યસ્ત હતી. તે દરમિયાન રાજકોટ-વેરાવળ ટ્રેનમાંથી ઉતરેલા એક વૃદ્ધ મુસાફરની હિલચાલ પોલીસને શંકાસ્પદ લાગતા તેને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં તેની પાસે રહેલી બેગની તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બેગમાંથી અંદાજે રૂ. 34.50 લાખના સોનાના ટુકડા, રૂ. 4.42 લાખનો ચાંદીનો ઢાળિયો, રૂ. 3.60 લાખનું સોનાનું બ્રેસલેટ, રૂ. 1.50 લાખનું બેલ્ટ પ્રકારનું સોનાનું બ્રેસલેટ તેમજ રૂ. 14.95 લાખની રોકડ મળી આવી હતી. આ રીતે કુલ રૂ. 59.27 લાખનો મુદ્દામાલ પોલીસના હાથે લાગ્યો હતો.
પોલીસે વૃદ્ધ પાસે મળી આવેલા સોના-ચાંદી અને રોકડ અંગે ખરીદીના બિલ, માલિકીના પુરાવા અથવા કોઈ સત્તાવાર દસ્તાવેજોની માંગણી કરી હતી. પરંતુ તેઓ કોઈ સંતોષકારક દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા. જેના પગલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 106 હેઠળ સમગ્ર મુદ્દામાલ શંકાસ્પદ મિલકત તરીકે કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. પોલીસને મળેલા પ્રાથમિક સંકેતો મુજબ વેરાવળના કેટલાક સોની વેપારીઓ દ્વારા સોનાના ઢાળિયા અને અન્ય કિંમતી ધાતુઓ રાજકોટમાં દાગીના બનાવવા માટે મોકલવામાં આવતા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં રસિકલાલ જગડા મધ્યસ્થી તરીકે કામ કરતા હતા અને માલ પહોંચાડવાના બદલામાં કમિશન મેળવતા હોવાનું જાણવા મળ્યું છે.
હવે તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આ વ્યવહારો કાયદેસર રીતે નોંધાયેલા હતા કે નહીં. ખાસ કરીને માલ સાથે બિલ કે ટેક્સ સંબંધિત દસ્તાવેજો ન મળતાં કરચોરીની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. આથી રેલવે પોલીસે સંબંધિત વિભાગો સાથે સંકલન કરીને સમગ્ર વ્યવહારની નાણાકીય અને કરવેરા સંબંધિત વિગતો પણ ચકાસવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ કાર્યવાહી દરમિયાન એએસઆઈ હર્ષદભાઈ મેસવાણીયા, ઘનશ્યામભાઈ ચાવડા તથા કોન્સ્ટેબલ હાર્દિકભાઈ કતારિયા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્ટેશન પર પેટ્રોલિંગ દરમિયાન તેમની સતર્ક નજરને કારણે લાખો રૂપિયાનો શંકાસ્પદ મુદ્દામાલ ઝડપાયો હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. હાલમાં પોલીસે કબ્જે કરાયેલા સોના-ચાંદી અને રોકડનો મૂળ માલિક કોણ છે, તેની ખરીદી અને હેરફેર કાયદેસર રીતે થઈ હતી કે નહીં, તેમજ સમગ્ર વ્યવહારમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં તપાસના આધારે વધુ ખુલાસાઓ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.


