ભાવનગરની મેડિકલ કોલેજ ફરી વિવાદમાં ઓર્થોપેડિક બાદ ગાયનેક વિભાગમાં રેગિંગ
સિનિયરો જૂનિયરો પાસેથી જમવાના બિલના પૈસા પડાવતા હોવાની ફરિયાદ
અગ્ર ગુજરાત, ભાવનગર
ભાવનગરની સર.ટી.હોસ્પિટલની મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગ બાદ હવે ગાયનેક વિભાગમાં રેગિંગની ઘટના સામે આવી છે. જેમાં સિનિયરો જુનિયર પાસેથી જમવાના બિલના નાણા ઉઘરાવતા હતા.
ગાયનેક વિભાગના ઈન્ટર્ન અને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લેવાતા હોવાની વાત સામે આવી છે અને ફરિયાદના આધારે એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસ અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સંબંધિત વિભાગના ઈન્ટર્ન વિદ્યાર્થીઓ અને ડોક્ટરોને સમિતિ સમક્ષ બોલાવાયા છે અને અલગ-અલગ પૂછપરછમાં કોઈ વિદ્યાર્થીએ ઘટના અંગે સત્તાવાર જાણકારી ન આપી. અગાઉ ઓર્થોપેડિક વિભાગના રેગિંગ કાંડમાં 7 ડોક્ટરો વિરુદ્ધ થઈ છે કાર્યવાહી.
UGCના એન્ટી રેગિંગ પોર્ટલ પર ઈ-મેઈલ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરાયો હતો કે, ગાયનેક વિભાગમાં કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ટર્ન અને ગાયનેકના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પાસેથી જમવાના ખર્ચના નાણાં પડાવાતા હતા.
UGCએ આ વિગતો તાત્કાલિક સર ટી હોસ્પિટલને મોકલતા સિનિયર ડોકટરોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે. ગઈકાલે આ મામલે એન્ટી રેગિંગ કમિટીની તાકીદની બેઠક બોલાવાઈ હતી.
તો કમિટી દ્વારા વિધાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી તો આ મામલે કમિટીની સામે કોઈ વિધાર્થીઓએ સરખો જવાબ આપ્યો ન હતો અને કોઈ વિદ્યાર્થીએ પોતે ફરિયાદી હોવાનું અથવા UGCના એન્ટી રેગિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હોવાનું સ્વીકાર્યું ન હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ઓર્થોપેડિક વિભાગમાં રેગિંગના આક્ષેપો સાથે સાત ડોક્ટરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.


