મોટા દડવામાં નશાખોર પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઇલ ગટગટાવ્યું
રસોઈ જેવી સામાન્ય બાબતમાં પત્નીનું માથું જમીન પર પછાડ્યુ, પુત્ર પર પણ કર્યો હૂમલો : પરિણીતાએ નોંધાવી ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
હાલ રાજકોટના ખોખળદળ ગામે રહેતી પરિણીતાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની તેમજ રસોઈ બાબતે મેણાટોણા મારી ગાળો આપી તેને તથા તેના પુત્રને મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે. પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.
બનાવ અંગે હાલ રાજકોટના ખોખડદડ ગામે માવતરના ઘરે રહેતી લલીતાબેન ઉર્ફે લતાબેન (ઉ.વ. 35) નામની પરિણીતાએ મોટા દડવા બળધોઇ દરવાજા પાસે રહેતા પતિ જગદીશભાઈ માવજીભાઈ પરમાર વિરુદ્ધ માનસીક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, હાલ તે માવતરના ઘરે રહે છે તેના લગ્ન 14 વર્ષ પહેલા જગદીશ પરમાર સાથે થયા હતા લગ્નજીવન થકી સંતાનમાં 13 વર્ષનો પુત્ર આયુષ છે. ગઈ તા.23 ના સવારના સરપંચની વાડીએ તે પથ્થર વીણવા માટે મજૂરી કામે ગઈ હતી અને પતિ શાક બકાલામાં ભીંડો લઈને આવ્યો હોય જેથી તેણે ભીંડાનું શાક બનાવ્યું હતું. બપોરના દોઢેક વાગ્યે પતિ જગદીશ ઘરે આવતા તેને જમવાનું આપતા તેણે કહ્યું હતું કે ભીંડાનું શાક મને પૂછ્યા વગર કેમ બનાવ્યું.
જેથી પત્નીએ કહ્યું હતું કે મારી પાસે ફોન નથી તેથી મેં તમને શાક બનાવવાનું પૂછ્યું ન હતું. આમ કહેતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો છતાં પત્નીએ બીજું શાક બનાવી દીધું. પરંતુ તે જમ્યા વગર સૂઈ ગયો હતો.
સાંજના પાંચેક વાગ્યે તે ગામમાં જતો રહ્યો હતો અને આઠેક વાગ્યે ઘરે દારૂ પીધેલી હાલતમાં આવ્યો હતો. પરિણીતાના સાસુએ હંસાબેને બટાકાનું શાક બનાવ્યું હોય પતિને જમવાનું આપતા તે બોલવા લાગ્યો હતો કે, આવું પાણી જેવું શાક બનાવેલ છે તને જમવાનું બનાવતા આવડતું નથી તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો.
ગાળો આપવાની ના કહેતા પત્નીની ગરદન પકડી નીચે લાદીમાં તેનું માથું ભટકાવ્યું હતું તેમજ પુત્ર આયુષને પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો દેકારો થતાં પુત્ર આયુષ ફઈ રંજનબેન જે દડવા ગામે રહેતા હોય તેને બોલાવી લાવતા ફઈ તથા ફુવા ધનજીભાઈએ પરિણીતાએ વધુ મારમાંથી બચાવી હતી.
પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, પતિને દારૂની કુટેવ હોય દારૂ પી અવારનવાર રસોઈ બાબતે મેણાટોણા મારી ત્રાસ આપતો હોય 14 વર્ષના લગ્ન જીવન દરમિયાન તેણી ચારેક વખત માવતરના ઘરે રિસામણે ગઈ હતી છેલ્લી વાર તે પાંચેક વર્ષ માવતરના ઘરે રહી હતી.
પાંચ મહિના પૂર્વે આગેવાનો તથા દડવા ગામના સરપંચ સમજાવતા તે સાસરે ગઈ હતી પરંતુ પતિ ત્રાસ આપતો હોય અને જેના તેના સાથે તેનું નામ જોડતો હોય તેનાથી કંટાળી ગઈ તારીખ 24/5 ના સવારના પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાદમાં અંતે તેણે પતિ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે આટકોટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


