મોટા રામપર પાસે બાઇક અકસ્માતમાં રેલનગરના યુવાનનું મોત, રેસિંગની ચર્ચા
રાત્રે મિત્રો સાથે નીકળેલા સલમાન શેખે ગુમાવ્યો જીવ; પાછળ બેઠેલા મિત્રનો બચાવ, ફોન બંધ થતાં અનેક સવાલો ઊભા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી તાલુકાના મોટા રામપર ગામ નજીક થયેલા બાઇક અકસ્માતમાં રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા 33 વર્ષીય યુવાનનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાને લઈને સ્થાનિક સ્તરે બાઇક રેસિંગની ચર્ચા પણ ઉઠી છે, જેને ધ્યાનમાં રાખીને પડધરી પોલીસે અકસ્માતના સાચા કારણોની તપાસ શરૂ કરી છે.
મૃતકની ઓળખ રેલનગર સ્થિત શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં રહેતા સલમાનભાઈ સુલેમાનભાઈ શેખ (ઉ.વ. 33) તરીકે થઈ છે. તેઓ રેલવેના પાર્સલ વિભાગમાં લેબર વર્કર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યાના સમયે મોટા રામપર નજીક બાઇક અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર માટે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
પરિવારજનો અને નજીકના પરિચિતોના જણાવ્યા મુજબ, સલમાન રાત્રે મિત્રો સાથે બહાર ગયા હતા. તેઓ જે બાઇક પર હતા તે તેમના મિત્ર જીજ્ઞેશની હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સમયે બાઇક સલમાન ચલાવી રહ્યા હતા જ્યારે જીજ્ઞેશ પાછળ બેઠો હતો. અકસ્માતમાં સલમાનનું મોત થયું, જ્યારે જીજ્ઞેશને ખાસ ઇજા પહોંચી નહોતી અને તેનો બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના બાદ જીજ્ઞેશે પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હોવાની ચર્ચાએ પણ અનેક સવાલો ઉભા કર્યા છે. બીજી તરફ, રેલનગર અને કોઠારીયા રોડ હુડકો વિસ્તારના કેટલાક યુવાનો પડધરી તરફ ગોલા ખાવા જવાનું કહીને ગયા હતા અને ત્યારબાદ બાઇકો વચ્ચે રેસિંગ ચાલી રહી હતી તેવી માહિતી મૃતકના પરિચિતોએ આપી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ-જામનગર હાઇવે અને પડધરી આસપાસના વિસ્તારોમાં કેટલાક યુવાનો દ્વારા રાત્રિના સમયે બાઇક રેસિંગ કરવામાં આવતી હોવાની ફરિયાદો અગાઉ પણ સામે આવી ચૂકી છે. પોલીસે ભૂતકાળમાં આવા તત્વો સામે કાર્યવાહી પણ કરી હતી.
હાલ પડધરી પોલીસે અકસ્માતની તમામ પરિસ્થિતિઓ, બાઇકની ગતિ, સ્થળની સ્થિતિ તેમજ રેસિંગની શક્યતા સહિતના તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે. યુવાન વયે પરિવારના આધારસ્તંભ સમાન દિકરાના મોતથી શેખ પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.


