જંગવડમાં પરિણીતાની સાડી ખેંચી આબરૂ લેવાનો પ્રયાસ, પુત્રીને પણ માર મારાયો
જૂની અદાવતનો વેર કાઢવા પાડોશી પરિવાર તૂટી પડ્યો : ઘરની દિવાલ પાસે માટી-પથ્થર નાંખવા મુદ્દે બબાલ : ખૂનની ધમકી આપતા ત્રણ સામે ગુનો નોંધાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
જસદણ તાલુકાના જંગવડ ગામે જૂની અદાવતને લઈને એક પરિણીતાને પાડોશી પરિવાર દ્વારા માર મારી તેની સાડી ખેંચી આબરૂ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. વચ્ચે પડેલી તેની પુત્રીને પણ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. સમગ્ર બનાવ અંગે આટકોટ પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જંગવડ ગામની 32 વર્ષીય મહિલાએ શીતલ કમલેશ નારીગરા, કમલેશ લખમણ નારીગરા અને લખમણ રાઘવ નારીગરા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી પશુપાલનનો વ્યવસાય કરે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી જૂના વિવાદને કારણે ગામ છોડીને ગુંદાળા (જામ) ગામની સીમમાં રહે છે. ફરિયાદ મુજબ, અગાઉ થયેલા એટ્રોસિટી કેસને લઈને બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી અદાવત ચાલી રહી છે. મહિલાનું કહેવું છે કે જ્યારે પણ તે પોતાના જંગવડ સ્થિત ઘરે જાય છે ત્યારે આરોપીઓ ગાળાગાળી કરી હેરાન કરતા હતા.
ગઈકાલે સવારે મહિલાએ પોતાની પુત્રીઓને શાળાના કામે જંગવડ ગામે મૂક્યા બાદ પોતાના ઘરે આંટો માર્યો હતો. ત્યારે ઘરની દિવાલ પાસે માટી અને પથ્થરોનો ઢગલો જોવા મળ્યો હતો તેમજ હલાણનો દરવાજો તૂટેલી હાલતમાં દેખાયો હતો. આ અંગે પાડોશી શીતલબેનને પૂછપરછ કરતા વાત ઉગ્ર બની ગઈ હતી.
આક્ષેપ છે કે, શીતલબેન ગાળાગાળી કરવા લાગ્યા હતા ત્યારે તેમના સસરા લખમણ નારીગરા લાકડી લઈને બહાર આવ્યા હતા અને ઝઘડો શરૂ કર્યો હતો. દરમિયાન મહિલાને લાકડી ફટકારી ઝપાઝપી કરી તેનું બાવડું પકડી સાડી ખેંચી ફાડી નાખી હતી. આ દરમિયાન બચાવ માટે આવેલી પુત્રીને પણ પકડી જમીન પર પછાડી દેવામાં આવી હતી અને માર મારવામાં આવ્યો હતો.
મહિલા અને તેની પુત્રી ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પાછળથી પથ્થર ફેંકવામાં આવ્યો હતો, જેના કારણે મહિલાના પગમાં ઈજા પહોંચી હતી. સાથે જ આરોપીઓએ ફરી ગામમાં દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે આટકોટ પોલીસે મહિલાની ફરિયાદના આધારે આબરૂ ભંગના પ્રયાસ, મારામારી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


