CA જતીન જાજલ સામેની પાંચ વર્ષ જૂના વ્યવહારો આધારિત ફરિયાદ ગુજરાત હાઈકોર્ટે રદ કરી
ધંધાકીય વ્યવહારમાં સલાહકાર તરીકે મર્યાદિત ભૂમિકા હોવાનું નોંધાયું; અગાઉ પણ પોલીસ તપાસમાં છેતરપિંડીના આક્ષેપ ફલિત થયા નહોતા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA. જતીન જાજલ સામે પ્રનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને ગુજરાત હાઈકોર્ટે રદ કરતાં તેમને નોંધપાત્ર રાહત મળી છે. હાઈકોર્ટે તા. 13 જુલાઈ, 2026ના રોજ આપેલા આદેશમાં ફરિયાદને સંપૂર્ણપણે રદ કરી હોવાનું જણાવાયું છે.
મળતી માહિતી મુજબ, એક વેપારી દ્વારા તા. 13 માર્ચ, 2026ના રોજ પ્રનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં દર્શાવાયેલા કથિત વ્યવહારો વર્ષ 2021ના હોવાનું સામે આવ્યું હતું. આ જ મુદ્દે અગાઉ વર્ષ 2021માં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં છેતરપિંડી કે વિશ્વાસઘાત થયાનું કોઈ પ્રાથમિક તારણ સામે આવ્યું ન હોવાથી અરજી રદ કરવામાં આવી હતી. આ કેસમાં રોકાણકારોએ વર્ષ 2017 દરમિયાન ફરિયાદીના સગાની કંપનીમાં CA. જતીન જાજલના રેફરન્સથી રોકાણ કર્યું હોવાનું જણાવાયું હતું. રોકાણની કેટલીક રકમ પરત ન મળતા વર્ષ 2023માં રોકાણકારોએ રાજકોટ સિવિલ કોર્ટમાં કેસ નં. 1030/2023 અને 1031/2023 હેઠળ દીવાની દાવા દાખલ કર્યા હતા, જે હાલ કોર્ટમાં પેન્ડિંગ હોવાનું જણાવાયું છે.
વર્ષ 2026માં આ જ મુદ્દે ફરી પોલીસ ફરિયાદ નોંધાતા CA. જતીન જાજલે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવાની અરજી કરી હતી. હાઈકોર્ટમાં તેમની તરફેથી એડવોકેટ ધ્રુવ ટોળિયા અને તુષાર ગોકાણીએ રજૂઆત કરી હતી.
સુનાવણી દરમિયાન ફરિયાદી તરફથી પણ એવો સ્વીકાર કરવામાં આવ્યો હતો કે તમામ વ્યવહારો ધંધાકીય સ્વરૂપના હતા અને સંબંધિત પક્ષો વચ્ચે થયા હતા. તેમાં CA. જતીન જાજલની ભૂમિકા માત્ર સલાહકાર તરીકે હતી અને તેમનું કાર્ય પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા પૂરતું મર્યાદિત હતું. ઉપરાંત હાર્દિક ઇન્ડસ્ટ્રીઝના નિલેશભાઈ પ્રકાશચંદ્ર ધાંધા સાથેના ફરિયાદીના ધંધાકીય વ્યવહારો પણ પૂર્ણ થઈ ગયા હોવાનું અને હવે કોઈ વિવાદ બાકી ન હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું.
હાઈકોર્ટે તમામ દસ્તાવેજો અને રજૂઆતોનું અવલોકન કર્યા બાદ ફરિયાદ રદ કરવાનો આદેશ કર્યો હતો. સાથે જ આ વ્યવહારોને લગતી તમામ કાયદાકીય પ્રક્રિયાનો પણ કાયમી અંત આવ્યો હોવાનું નોંધાયું હોવાનું જણાવાયું છે. વધુમાં, રોકાણકારો દ્વારા વર્ષ 2023માં દાખલ કરાયેલા સિવિલ કેસો પણ પરત ખેંચવાની ખાતરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
CA. જતીન જાજલ વર્ષ 2005થી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને પ્રોજેક્ટ ફાઇનાન્સ તથા ઇન્ડસ્ટ્રીયલ સબસિડી ક્ષેત્રે બે દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. તેઓ રાજકોટ બ્રાન્ચ ઓફ WIRC ઓફ ધ ICAIના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. ઉપરાંત હોંગકોંગ ખાતે યોજાયેલા એશિયન ફાઇનાન્સિયલ ફોરમ અને અમેરિકામાં યોજાયેલી સિલેક્ટ યુએસએ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યા છે. તેઓ જાજલ ફાઉન્ડેશન ટ્રસ્ટ મારફતે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને CA અભ્યાસ માટે માર્ગદર્શન અને આર્થિક સહાય પણ પૂરી પાડે છે. તેમની ટીમમાં CA. દિપેશ કટારિયા, CS. પૂર્વી જાજલ, સંજય લખમાણી, કૃપાલ ચૌહાણ અને કરણ ઝાલા સહિતના વ્યાવસાયિકો સેવાઓ આપી રહ્યા છે.


