પોરબંદરમાં કારે બાઇકને હડફેટે લેતા મહિલા કોન્સ્ટેબલનું મોત
ડયુટી પર જતા સમયે બનેલો જીવલેણ બનાવ : પરિવાર-પોલીસ બેડામાં ગમગીની છવાઇ
અગ્ર ગુજરાત, પોરબંદર
પોરબંદર-નવીબંદર હાઇવે પર બનેલી એક અત્યંત હૃદયદ્રાવક ઘટનામાં ફરજ પર જઈ રહેલા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડા સહિત પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.પ્રાથમિક વિગતો અનુસાર, પોરબંદરથી પોતાની સરકારી ફરજ બજાવવા માટે નીકળેલા 35 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગોસ્વામી રેખાબેન ભીમનાથનું આ ભયાનક અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે.
તેઓ પોતાના ટુ-વ્હીલર પર સવાર થઈને જઈ રહ્યા હતા, તે દરમિયાન હાઇવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર અને તેમના ટુ-વ્હીલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે મહિલા કોન્સ્ટેબલ રેખાબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તુરંત જ સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. વહેલી સવારે બનેલી આ કાળજું કંપાવી દેતી ઘટનાથી મૃતક મહિલા પોલીસકર્મીના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. અકસ્માત સર્જીને નાસી છૂટેલા કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


