રેકોર્ડબ્રેક હરાજી! પોરબંદરમાં મિયાઝાકી કેરીનો એક નંગ રૂપિયા ૧૭૦૦માં વેચાયો
દુનિયાની સૌથી મોંઘી અને દુર્લભ કેરીના ભાવે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યુ
અગ્ર ગુજરાત, પોરબંદર
ગુજરાતના દરિયાકાંઠાના શહેર પોરબંદરમાં આવેલી જાણીતી સુદામા ફ્રૂટ કંપનીમાં તાજેતરમાં એક અત્યંત અનોખી અને ઐતિહાસિક ફ્રૂટ હરાજી યોજાઈ ગઈ. આ હરાજીમાં દુનિયાની સૌથી મોંઘી અને દુર્લભ ગણાતી ‘મિયાઝાકી’ જાતની કેરીનો માત્ર એક જ નંગ રેકોર્ડબ્રેક ₹1700 ની ઊંચી કિંમતે વેચાયો હતો. આ અસાધારણ ઘટનાએ સ્થાનિક વેપારીઓ સહિત રાજ્યભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જાપાનીઝ મૂળ ધરાવતી આ મોંઘીદાટ કેરીની સાથે ભારતીય બજારમાં લોકપ્રિય એવી ‘નૂરજહાં’ કેરી પણ આ હરાજીનો મુખ્ય હિસ્સો બની હતી.
સુદામા ફ્રૂટ કંપનીના સંચાલક કેવલ દાસાણીના જણાવ્યા અનુસાર, હરાજીમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી મિયાઝાકી કેરીનું વજન આશરે 250 થી 280 ગ્રામ જેટલું નોંધાયું હતું, જે તેના કદ અને ગુણવત્તાના આધારે ઊંચા મૂલ્યે વેચાઈ હતી. આ જ હરાજીમાં બીજા આકર્ષણ સમાન ‘નૂરજહાં’ જાતની કેરીનો એક નંગ ₹350 માં વેચાયો હતો. કદમાં સહેજ મોટી એવી આ નૂરજહાં કેરીનું વજન આશરે 400 થી 450 ગ્રામ જેટલું હતું.
આ ઐતિહાસિક હરાજી અંગે ગર્વ વ્યક્ત કરતાં કેવલ દાસાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ આંકડો માત્ર એક ફળની કિંમત નથી દર્શાવતો, પરંતુ તે ભારત દેશની પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતીની મોટી સિદ્ધિ છે. તેમણે ઉમેર્યું કે આ હરાજીમાં આર્થિક ભાવ કરતાં હિન્દુસ્તાનની ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ વધુ ઝળકી રહ્યું છે, જે વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ ફળોનું ઉત્પાદન કરવા સક્ષમ બની છે.
પોરબંદરમાં થયેલી આ અનોખી વેચાણ પ્રક્રિયાને સુદામા ફ્રૂટ કંપનીએ દેશના તમામ ધરતીપુત્રો માટે ગર્વનો દિવસ ગણાવ્યો છે. આજે ભારત દેશ જ્યારે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બની રહ્યો છે, ત્યારે આ પ્રકારની હરાજીથી ઓર્ગેનિક પદ્ધતિથી ફળો ઉગાડતા સ્થાનિક ખેડૂતોમાં એક નવો આત્મવિશ્વાસ અને ઊર્જાનો સંચાર થશે.


