5 લાખથી વધુના ચેક બાઉન્સ કેસમાં આરોપી નિર્દોષ જાહેર
રાજકોટ કોર્ટનો મહત્વનો ચુકાદો; ફરિયાદ પક્ષ આરોપ સાબિત કરવામાં નિષ્ફળ રહેતાં આરોપીને રાહત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની અદાલતે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881ની કલમ 138 હેઠળ ચાલતા રૂ. 5 લાખથી વધુના ચેક બાઉન્સ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતાં આરોપી મહેશભાઈ વડેરાને નિર્દોષ જાહેર કર્યા છે. રાજકોટના ન્યાયમૂર્તિ ડી.ડી. શાહે બંને પક્ષોના પુરાવા અને દલીલોનું મૂલ્યાંકન કર્યા બાદ આ નિર્ણય આપ્યો હતો.
કેસની હકીકત મુજબ ફરિયાદી અનિલભાઈ ભીંડોરાએ રૂ. 5 લાખથી વધુની રકમના ચેકના અનાદર (ચેક રિટર્ન) અંગે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે કેસની નિયમિત સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં બંને પક્ષોએ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા.
સુનાવણી દરમિયાન રજૂ થયેલા તમામ પુરાવા, દસ્તાવેજો અને બંને પક્ષોની દલીલોનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કર્યા બાદ ન્યાયમૂર્તિ ડી.ડી. શાહે નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષ આરોપી વિરુદ્ધનો ગુનો કાયદાની જોગવાઈ મુજબ વિશ્વસનીય અને નિર્વિવાદ રીતે સાબિત કરવામાં સફળ રહ્યું નથી. પરિણામે શંકાનો લાભ આરોપીને મળતા મહેશભાઈ વડેરાને નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળના આરોપમાંથી નિર્દોષ ઠેરવવામાં આવ્યા હતા.
આ કેસમાં આરોપી પક્ષ તરફેથી વિઠ્ઠલાપરા સોલિસિટર્સ એન્ડ એડવોકેટ્સના એડવોકેટ ચેતન વિઠ્ઠલાપરા, સાગર સરવૈયા, રિતુસિંહ, લવજી ભજગોતર, વિજય વણઝારા, સંજય ચાવડા અને મનોજ રાઠોડે મહત્વપૂર્ણ ન્યાયિક ચુકાદાઓનો આધાર લઈને ધારદાર દલીલો રજૂ કરી હતી. જ્યારે હિરેન એસ. વિઠ્ઠલાપરાએ મદદનીશ તરીકે કામગીરી સંભાળી હતી. આ દલીલોને ધ્યાનમાં રાખી અદાલતે આરોપીને નિર્દોષ જાહેર કરવાનો ચુકાદો આપ્યો હતો.


