સોની બજારમાં બાળમજૂરી કરાવતા બે દુકાનદારો અને એક ઠેકેદાર સામે એ-ડિવિઝનમાં ફોજદારી ગુનો!
શ્રમ વિભાગ અને AHTU પોલીસની સંયુક્ત ટીમનો દરોડો: ૧૩ વર્ષના ૨ બાળકોને મુક્ત કરાવી શિશુ ગૃહ મોકલાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં બાળમજૂરીના દૂષણને જડમૂળથી નાબૂદ કરવાના હેતુથી હાથ ધરવામાં આવેલા વિશેષ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન સરકારી શ્રમ વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમે સોની બજાર વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. આ દરોડા દરમિયાન બે અલગ-અલગ દુકાનોમાંથી ૧૩ વર્ષના બે બાળશ્રમિકોને ગેરકાયદેસર મજૂરી કામમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે અને જવાબદાર દુકાન માલિકો તેમજ ઠેકેદાર સામે એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, બાળ મજૂર (નિયમન અને પ્રતિબંધ) અધિનિયમ-૧૯૮૬ હેઠળના નિરીક્ષક અને સરકારી શ્રમ અધિકારી ડો. ડી. આર. કાનાણીના નેતૃત્વ હેઠળ વિશેષ ટીમ રચવામાં આવી હતી. આ ટીમમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ના PI કે. કે. ગોહિલ, ASI અજયકુમાર શુક્લા, ASI એસ. બી. મકરાણી, અધિકારી એસ. એસ. ગુજ્જર, સી. એસ. સાપરા તેમજ પોલીસ સ્ટાફના મહેશભાઈ અને જ્યોતિબેન જોડાયા હતા.
આ ટીમે સોની બજાર વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સોની બજારમાં કોઠારિયા નાકા પાસે આવેલા સુવર્ણદીપ કોમ્પ્લેક્સ (દુકાન નં. ૨૧૫) માંથી બાળમજૂર મળી આવતા દુકાનદાર દિવ્યેશભાઈ મુકુંદરાય ફીચડિયા અને ઠેકેદાર ઝાકિર શેખ સામે કાર્યવાહી કરાઈ હતી બોઘાણી શેરીમાં આવેલા ગોલ્ડ હાઉસ (દુકાન નં. ૩૦૪) માંથી બાળમજૂર મળી આવતા દુકાનદાર બ્રિજેશભાઈ જગદીશભાઈ રાણપરા સામે ગુનો દાખલ કરાવાયો હતો.
તપાસમાં સામે આવ્યું હતું કે આ બંને માસૂમ બાળકો અહીં છેલ્લા એકાદ માસથી મજૂરી કામ કરી રહ્યા હતા. દરોડા બાદ ટીમે બાળકોની ઉંમર અંગે જરૂરી પૂછપરછ અને ખાતરી કરીને તેમને બાળ સંરક્ષણ ગૃહ, રાજકોટ ખાતે સુપ્રત કર્યા હતા. ડો. ડી. આર. કાનાણીની ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસે બે અલગ-અલગ ગુના નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.


