બાંધકામ સાઈટોની મુલાકાત લેવા સ્થાનિક અધિકારઅઓને કેબીનેટ મંત્રીનો આદેશ
રાજકોટમાં શ્રમ અને રોજગાર વિભાગની કામગીરી અંગે સમીક્ષા કરતા મંત્રી કુંવરજી બાવળીયા
આઈ.ટી.આઈ. પ્રવેશ પ્રક્રિયા, નવીન ભવનોનું બાંધકામ, રોજગાર મેળા વિશે સૂચના
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે રોજગાર કચેરી અને શ્રમ આયુક્તની કચેરીની બેઠક યોજાઈ હતી. જેમાં આઈ.ટી.આઈ. પ્રવેશ પ્રક્રિયા, નવીન ભવનોનું બાંધકામ, રોજગાર મેળા તેમજ અન્નપૂર્ણા યોજનાની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં યુવાનોને બહોળા પ્રમાણમાં રોજગારીની તકો મળી રહે તથા ઉદ્યોગોની વર્તમાન માંગને ધ્યાને રાખીને આઈ.ટી.આઈ.માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા ટ્રેડ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રીએ વ્યવસાયિક કોર્સના ફાયદા અંગે જાગૃતિ સેમિનાર યોજવા પર ભાર મુક્યો હતો, તેમજ તાલીમબદ્ધ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ ટ્રેક કરવા, કોલેજના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન પૂરું પાડવા, નિયમિત રોજગાર મેળા યોજવા અને વિવિધ રોજગારલક્ષી યોજનાઓની માહિતી યુવાનો સુધી પહોંચાડવા માટે સેમિનારોનું આયોજન કરવા સૂચના આપી હતી.
શ્રમ વિભાગની કામગીરીની સમીક્ષા કરતા મંત્રીએ બાંધકામ શ્રમિકોની સલામતીને પ્રાથમિકતા આપવા અધિકારીઓને જણાવ્યું હતું. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને યોજનાઓનો સીધો લાભ મળે તે માટે કેમ્પ યોજીને ‘ઈ-નિર્માણ’ અને ‘ઈ-શ્રમ’ કાર્ડ કાઢવાની ઝુંબેશ ચલાવવા તેમજ બાંધકામ સાઈટોની મુલાકાત લેવા માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં, બાંધકામ સાઇટ પર શ્રમયોગીઓ સાથે અકસ્માત ન થાય, તેની તકેદારી રાખવા તેમજ દુર્ઘટનામાં સંબંધિત અધિકારીઓએ ત્વરિત સ્થળ મુલાકાત લઈ તપાસ કરવી અને અસરગ્રસ્ત શ્રમિકો કે તેમના પરિજનોને મળવાપાત્ર સહાય સત્વરે ચૂકવાય, તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
આ અવસરે ઇન્ચાર્જ નાયબ નિયામક (રોજગાર) ચેતનાબેન મારડીયા, ડેપ્યુટી ડિરેક્ટર ઓફ બોઈલર સેફ્ટી વી. આઇ. મહ્યાવંશી, નાયબ શ્રમ આયુક્ત એસ. એસ. મેકવાન, જોઈન્ટ ડિરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ એચ. એસ. પટેલ સહિત આઈ.ટી.આઈ.ના આચાર્યો અને શ્રમ અને રોજગાર કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


