ધોરાજીની ૧૦૫ વર્ષ જૂની ‘મદ્રેસા-એ-મીસકીનીયાહ’ સંસ્થામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
ઇમ્તિયાઝભાઇ સુપેડીવાલાના હસ્તે ધ્વજવંદન; “દેશ માટે જીવવું અને મરવું એ જ સાચી દેશભક્તિ” – પ્રમુખ અફરોઝભાઇ લકડકુટા
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી ખાતે ૧૦૫ વર્ષથી પણ વધુ જૂની શૈક્ષણિક સંસ્થા ‘મદ્રેસા-એ-મીસકીનીયાહ’ માં ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની આન-બાન-શાન અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રાષ્ટ્રધ્વજને સલામી આપી આઝાદીની લડતમાં પ્રાણોની આહુતિ આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.
મેમન સમાજના અગ્રણી ઇમ્તિયાઝભાઇ અ.ગફાર સુપેડીવાલાના વરદ હસ્તે સવારે ૯:૧૦ કલાકે ધ્વજવંદન સંપન્ન થયું હતું, જેના પછી વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન ઇમ્તિયાઝભાઇ સુપેડીવાલા, આર્મીમેન ગુલમોહમદભાઇ તથા સકલેનભાઇ પાનવાલાનું ગૌરવપૂર્ણ બહુમાન કરાયું હતું. આ ઉપરાંત ઉમરાહની પવિત્ર યાત્રાએ જઈ રહેલા સંસ્થાના ટ્રસ્ટી નોશાદભાઇ ગોડીલનું શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના પ્રમુખ અફરોઝભાઇ લકડકુટાએ જણાવ્યું કે, “સ્વતંત્રતાની સાચી ઓળખ એકતામાં છુપાયેલી છે. દેશ માટે જીવવું અને મરવું એ જ સાચી દેશભક્તિ છે. આઝાદ ભારત અને સશક્ત ભારત જ આપણું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ.” સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો, જેમાં સંસ્થાના ટ્રસ્ટીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


